Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : US court's major order in Adani case: Judge orders to present legal reasons behind withdrawal of charges

અદાણી કેસમાં અમેરિકી કોર્ટનો મોટો આદેશ: આરોપો પાછા ખેંચવા પાછળના કાનૂની કારણો રજૂ કરવા જજનો હુકમ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અદાણી કેસમાં અમેરિકી કોર્ટનો મોટો આદેશ: આરોપો પાછા ખેંચવા પાછળના કાનૂની કારણો રજૂ કરવા જજનો હુકમ
સોર્સ : gstv

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા ફોજદારી કેસમાં એક નવો અને મોટો વળાંક આવ્યો છે. અમેરિકાની એક અદાલતે ત્યાંના જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે કે તેઓ અદાણી સામેના આરોપો પાછા ખેંચવાના પોતાના નિર્ણયનું ચોક્કસ કારણ જણાવે. આ સાથે જ જજે અદાણીના વકીલોની કેસ રદ કરવાની અરજી પર તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનો ઇનકાર કરી દીધો છે.

App Store

યુએસ ડિસ્ટ્રિક્ટ જજે શું કહ્યું?

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, બ્રુકલિન સ્થિત અમેરિકી જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગારાઉફિસે જણાવ્યું હતું કે, જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ૧૮ મેના રોજ માત્ર એટલું જ કહ્યું હતું કે તેઓ હવે આ મામલાને આગળ વધારવા માંગતા નથી, પરંતુ તેની પાછળના પૂરતા કાનૂની કારણો આપ્યા નહોતા. જજે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, સરકારનું આ ટૂંકું નિવેદન અદાલતને એવો કોઈ નક્કર આધાર પૂરો પાડતું નથી જેના આધારે કેસને સત્તાવાર રીતે રદ કરી શકાય.

અદાલતે જસ્ટિસ ડિપાર્ટમેન્ટને વધુ વિગતો અને માહિતી સબમિટ કરવા માટે 13 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. ત્યાર બાદ જ નક્કી થશે કે ગૌતમ અદાણી સામેના ફોજદારી આરોપો સત્તાવાર રીતે સમાપ્ત થશે કે નહીં.

શું છે સમગ્ર મામલો? 
આ વિવાદ નવેમ્બર 2024નો છે, જ્યારે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડનનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો હતો. ગૌતમ અદાણી અને અન્ય લોકો પર આરોપ હતો કે, તેમણે ભારતમાં સોલાર પાવર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું અને બાદમાં અમેરિકી રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ગેરમાર્ગે દોર્યા હતા. જોકે, અદાણી ગ્રુપે શરૂઆતથી જ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ગૌતમ અદાણી પોતે આ આરોપોનો જવાબ આપવા માટે અમેરિકી અદાલતમાં હાજર થયા નથી.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મે મહિનામાં કેસ પાછો ખેંચ્યો હતો
ચાલુ વર્ષના મે મહિનામાં અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના તમામ ફોજદારી આરોપો કાયમી ધોરણે પાછા ખેંચી લીધા હતા, જેનાથી ન્યૂયોર્કમાં ચાલી રહેલો આ બહુચર્ચિત સિક્યોરિટીઝ અને ફ્રોડનો કેસ લગભગ ખતમ થઈ ગયો હતો. અમેરિકી વકીલોએ કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે તેઓ હવે આ આરોપોને આગળ વધારવા માટે સક્ષમ નથી.

આ પહેલાં, અમેરિકી શેરબજારના નિયમનકાર 'સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન' (SEC) એ સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ સંબંધિત રોકાણકારોના ખુલાસાના મામલામાં સિવિલ (દીવાની) આરોપોની પતાવટ કરી હતી. આ સમાધાનમાં પોતાની કોઈ ભૂલનો સ્વીકાર કે ઇનકાર કર્યા વગર, ગૌતમ અદાણી 60 લાખ ડોલર અને સાગર અદાણી 120 લાખ ડોલર ચૂકવવા સંમત થયા હતા.