VIDEO: અબ કી બાર 100 કે પાર! તુરીયા-કારેલાં-ફ્લાવર મોંઘાં, વટાણા ₹200 કિલો, લીંબુ ₹12 નંગ
મુંબઈ-નવી મુંબઈની વાશી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માર્કેટમાં શાકભાજીની આવકમાં 25થી 30 ટકાનો ઘટાડો થતાં ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ અને વરસાદની અછતને કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર પડી છે. ખેતરમાંથી બજારમાં આવતો પુરવઠો ઘટતાં જથ્થાબંધ તેમજ છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે સામાન્ય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે.
પિતૃપક્ષમાં વધેલી માંગ, ભાવમાં આગ
પિતૃપક્ષ દરમિયાન શાકભાજીની માંગમાં વધારો થયો છે, ત્યારે બીજી તરફ બજારમાં તેની આવક 25થી 30 ટકા ઘટી ગઈ છે. ઓછી આવક અને વધતી માંગની સીધી અસર ભાવ પર પડી છે. કોથમીર, ગુવાર, મેથી, ભીંડા સહિત અનેક શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલીક શાકભાજી તો છૂટક બજારમાં પ્રતિ કિલો 100 રૂપિયાથી પણ વધુના ભાવે વેચાઈ રહી છે.
તુરીયા-કારેલાંથી ફ્લાવર સુધી ‘સેન્ચુરી’
વાશી APMC માર્કેટમાં હાલ રીંગણ 80 રૂપિયા, તુરીયા 100 રૂપિયા, કારેલાં 100 રૂપિયા, કોબી 60 રૂપિયા, ફ્લાવર 100 રૂપિયા, ગાજર 80 રૂપિયા અને કાકડી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. સૌથી વધુ ચોંકાવનારો ભાવ વટાણાનો છે, જે 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
લીંબુ પણ બન્યું મોંઘું
શાકભાજીની સાથે લીંબુના ભાવમાં પણ મોટો વધારો થયો છે. લીંબુનો ભાવ 12 રૂપિયા પ્રતિ નંગ સુધી પહોંચી ગયો છે. ટામેટાં 50 રૂપિયા અને ડુંગળી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે. બીજી તરફ કોથમીર, મેથી અને પાલકની એક જુડીના ભાવ પણ 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
બજારમાં આવતાં વાહનોની સંખ્યા પણ ઘટી
વાશી APMC માર્કેટમાં અગાઉ દરરોજ આશરે 600થી 700 વાહનો મારફતે શાકભાજીની આવક થતી હતી. જોકે, દુષ્કાળજન્ય સ્થિતિ અને વરસાદની અછતને કારણે હવે આવકમાં ઘટાડો નોંધાયો છે. પુરવઠો ઘટતા ભાવ સતત ઉપર જઈ રહ્યા છે અને તહેવારોના સમયમાં મોંઘવારીનો વધારાનો બોજ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહ્યો છે.

