સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સાસણગીરથી ધરપકડ, કીર્તિ પટેલની સાથીદાર લાંબા સમયથી હતી ફરાર

સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને આઈટી એક્ટ હેઠળના ગુનામાં લાંબા સમયથી કીર્તિ પટેલની સાથીદાર અને ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની પુણા પોલીસે ધરપકડ કરી છે.
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સાસણગીરથી પકડાઈ
સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને લોકેશન ટ્રેસિંગના આધારે નયના બારૈયાનું લોકેશન સાસણગીર ખાતે મેળવ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમે સાસણગીરથી તેને ઝડપી પાડી હતી. મૂળ ભાવનગરના સિહોર પંથકની અને 33 વર્ષીય નયના બારૈયા સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ભાવનગરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેની સામે મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ 6 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પુણા પોલીસ દ્વારા સાસણગીરથી ધરપકડ કર્યા બાદ મહિલા આરોપીને સુરત લાવવામાં આવી છે. હાલ પોલીસે તેની સામે નોંધાયેલા ગુનાની તપાસ આગળ ધપાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

