'હિન્દુ ધર્મ ખતમ થઈ જશે, મુસ્લિમ બની જાઓ...', સુરત રેગિંગકાંડમાં સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા પર ધર્મ પરિવર્તનનો ગંભીર આરોપ

સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના HOD ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, આ નિર્ણય બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. સુમૈયા મુલ્લા વિરુદ્ધ અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, HOD હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા હતા અને વિદ્યાર્થીઓ પર કલમા પઢવા તથા નમાજ અદા કરવા દબાણ કરતા હતા.
રૂમમાં લઈ જઈ નમાજ પઢાવાતી, માનસિક ત્રાસથી આત્મહત્યાનો વિચાર આવ્યો: ભૂતપૂર્વ વિદ્યાર્થિની
એક ભૂતપૂર્વ રેસિડેન્ટ વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "રેસિડેન્સી દરમિયાન મને એક રૂમમાં લઈ જઈને નમાજ પઢવાની ફરજ પાડવામાં આવી હતી. જે રીતે તેઓ હાથ-મોઢું ધોવે (વઝૂ કરે) તે જ રીતે મને કરવા કહેવામાં આવતું હતું. મને એટલી હદે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે મેં આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ મારા માતા-પિતા, મિત્રો અને સપોર્ટિવ સ્ટાફના કારણે હું આ કદમ ઉઠાવતા બચી ગઈ."
હિન્દુ ધર્મ પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ: ધર્મ પરિવર્તન માટે દબાણ
અન્ય એક કિસ્સાનો ઉલ્લેખ કરતા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ડૉ. સુમૈયા અવારનવાર હિન્દુ ધર્મ વિશે અણછાજતી ટિપ્પણીઓ કરતા હતા. એક કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય એક મેડમને કહ્યું હતું કે, "તમે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જાઓ, હિન્દુ ધર્મમાં કંઈ રાખ્યું નથી અને તે ટૂંક સમયમાં પૂરો થઈ જવાનો છે."
90 દિવસનું સસ્પેન્શન નિરાશાજનક, કડક કાર્યવાહીની માગ
વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ભૂતકાળમાં પણ ડૉ. સુમૈયા વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ દર વખતે કોઈ અગમ્ય કારણોસર તેઓ તપાસમાંથી નિર્દોષ છૂટી જતા હતા. માત્ર 90 દિવસનું સસ્પેન્શન ખૂબ જ નિરાશાજનક છે. પીડિત વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમની પાછળ કોનો હાથ છે અને તેઓએ માગ કરી છે કે આવા માનસિક ત્રાસ આપનાર સામે આકરામાં આકરી કાર્યવાહી થવી જોઈએ.
પરીક્ષામાં વીડિયો શૂટિંગ અને કરિયર બગાડવાનો પ્રયાસ
સુરતની સરકારી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા રેગિંગની ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી 90 દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ(સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.
પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલાં ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સહેજ પણ બાંધછોડ કરશે નહીં.
માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓ વડોદરાના મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજમાં રહેશે. જેમાં સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.

