EVENING BULLETIN: પશ્ચિમ બંગાળમાં રાજકીય હલચલ, તૂર્કિયેના સૂર બદલાયા, ભ્રષ્ટાચારથી લઈને દાઉદ મુદ્દે લલિત મોદીના ખુલાસા
તૂર્કિયેના સૂર બદલાયા
કાશ્મીર મુદ્દે હંમેશા પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કિયેના તેવર હવે ભારતની મજબૂત વ્યુહરચના સામે નરમ પડ્યા છે. સિંગાપોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તૂર્કિયેના વિદેશ મંત્રીએ ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવતા સંબંધો સુધારવા માટે એક તક આપવા અપીલ કરી છે."
પશ્ચિમ બંગાળમાં રાજકીય હલચલ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ ભાજપ માટે મોટી રાજકીય લોટરી સાબિત થઈ શકે છે. સંસદમાં અટકેલા મહત્વના બંધારણીય સુધારાઓ અને બિલો સરળતાથી પાસ કરાવવા માટે ભાજપની નજર હવે દિલ્હીમાં પોતાના સમીકરણો મજબૂત કરવા પર છે."
લલિત મોદીના ખુલાસા
IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ દાવો કર્યો છે કે ક્રિકેટમાં આજે પણ મેચ ફિક્સિંગ ચાલુ છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવ્યો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ધમકીઓ અને ફિક્સિંગ માટે મળેલી કરોડો ડોલરની ઓફરો ઠુકરાવવાને કારણે જ તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનથી દૂર થયા હતા."
દિલ્હી વિસ્ફોટ કેસ
દિલ્હી વિસ્ફોટ મામલાના આરોપીઓ ડૉ. શાહીન સઈદ અને ડૉ. મુઝમ્મિલ મુશ્તાક ભટ સહિત અન્યને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા હતા. વિશેષ NIA અદાલતે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડી ૬ જુલાઈ સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે."
રાજકોટમાં EDના દરોડા
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ અને દાઉદના સાથી સલીમ ડોલા કનેક્શન મામલે તપાસ તેજ બની છે. ED દ્વારા ગોંડલના હડમતાળા ગામે આવેલી ફાર્મસી કંપની પર દરોડા પાડીને શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો અને મહત્વના દસ્તાવેજી પુરાવા જપ્ત કરાયા છે."
રાજ્યસભા ચૂંટણીનો ગરમાવો
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના માત્ર ચાર દિવસ બાકી હોવા છતાં ભાજપે હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. વર્તમાન સંખ્યાબળ મુજબ ચારેય બેઠકો ભાજપને ફાળે જવાની શક્યતા વચ્ચે પાટીદાર નેતાઓ અને સ્મૃતિ ઈરાનીના નામની ચર્ચા જોરમાં છે."
જૂનાગઢ ભાજપમાં આંતરિક ડખો
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. આજે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી કરવાનો મુખ્ય એજન્ડા હતો, પરંતુ આંતરિક વિખવાદને કારણે આ પ્રક્રિયા આખરે મોકૂફ રાખવી પડી છે."

