VIDEO: NEWS AFTERNOON / H-1B વિઝા પર ટ્રમ્પનો ઝટકો, 12 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ, PM-ગૃહમંત્રીના પૂતળા દહન મામલે નોંધાઈ FIR
H-1B વિઝા પર ટ્રમ્પનો ઝટકો
ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પર ૧ લાખ ડૉલરની વાર્ષિક ફી વસૂલવાના નિર્ણયને વધુ એક વર્ષ લંબાવી ભારતીય ટેક પ્રોફેશનલ્સને મોટો ફટકો આપ્યો છે. આ કડક નિર્ણયને કારણે અમેરિકામાં નોકરી શોધતા અને કામ કરતા ભારતીય યુવાનોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.
ટ્રમ્પ-જિનપિંગ મુલાકાત પર નજર
ચીની પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે બંને દેશો વચ્ચે સારા સંબંધો છે અને આ મુલાકાતમાં મહત્ત્વના કરારો થઈ શકે છે. જોકે, તેમણે ટેરિફના કારણે ચીનને થઈ રહેલા આર્થિક નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઉત્તર કોરિયાના પરીક્ષણથી ભૂકંપનું જોખમ
ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા પરમાણુ પરીક્ષણોએ પૃથ્વીના પેટાળને હચમચાવી દીધું છે. તાજેતરના વૈજ્ઞાનિક રિપોર્ટ અનુસાર, છેલ્લે ૨૦૧૭માં થયેલા પરીક્ષણો બાદ મંતાપ પર્વતમાળા આસપાસ ૨૦૦૮ થી ૨૦૨૫ વચ્ચે ૧૩૯૯ જેટલા ભૂકંપ નોંધાયા છે, જ્યાં સદીઓથી સંપૂર્ણ શાંતિ હતી.
૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ
ચોમાસાની વિદાય ટાણે જ દેશમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મોનસૂન ફરી સક્રિય થતાં હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
મોરબીમાં પૂતળા દહન કેસમાં ફરિયાદ
મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર આંદોલન દરમિયાન વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા દહન કરવા મામલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જાહેર માર્ગ રોકવા અને હુલ્લડ કરવા બદલ પોલીસે ૩ મહિલાઓ સહિત ૨૧ થી વધુ લોકો સામે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી છે.
૭ આયુર્વેદ કોલેજોની માન્યતા રદ
ગુજરાતમાં તબીબી ક્ષેત્રે મોટી કાર્યવાહી સામે આવી છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા નિયમોનું ઉલ્લંઘન અને અપૂરતી સુવિધાઓ ધરાવતી જૂનાગઢની નોબલ કોલેજ સહિત રાજ્યની કુલ ૭ ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરી દેવામાં આવી છે.

