VIDEO: NEWS AFTERNOON / અમેરિકી દબાણ સામે ભારત અડગ, ખુલ્લી ગટરે લીધો માસૂમનો જીવ, મધ્ય પૂર્વમાં યોજાઈ ગુપ્ત બેઠક
મધ્ય પૂર્વમાં સિક્રેટ મીટિંગ
ઈરાન સાથે વધતા તણાવ અને હૂથી બળવાખોરોના જોખમ વચ્ચે જર્મનીમાં એક અત્યંત ગુપ્ત બેઠક યોજાઈ છે. અમેરિકા અને ઈઝરાયલ સહિત ૮ અરબ દેશોના સૈન્ય વડાઓએ મધ્ય પૂર્વમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને કટોકટીનો સામનો કરવા સંયુક્ત રણનીતિ ઘડી છે.
અમેરિકી દબાણ સામે ભારત અડગ
રશિયા પાસેથી કાચું તેલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની અમેરિકાની ધમકી સામે ભારતે સ્પષ્ટ શબ્દોમાં ખરી ખરી સંભળાવી દીધી છે. ભારતે ખુલ્લેઆમ જણાવ્યું છે કે દેશવાસીઓનું હિત સર્વોપરી છે અને કોઈના પણ દબાણ સામે ઝૂક્યા વિના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ જ રહેશે.
ભારત-ન્યૂઝીલેન્ડ ઐતિહાસિક વેપાર કરાર
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક સંબંધોમાં નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી દીધી છે, જેથી હવે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ નિકાસ થતા તમામ સામાનને ૧૦૦ ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે અને વેપારીઓને મોટો લાભ થશે.
હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ
હિમાચલ પ્રદેશમાં ચાલુ ચોમાસે કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. રાજ્યમાં અતિભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે અત્યાર સુધીમાં ૨૯૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સરકારી આંકડા મુજબ ૩૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું જંગી નુકસાન નોંધાયું છે.
તરણેતરના મેળામાં અશ્લીલતાનો વિવાદ
સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ અને પૌરાણિક તરણેતરના મેળામાં ફરી એકવાર મર્યાદાના લીરેલીરા ઊડ્યા છે. અઢી હજારથી વધુ પોલીસકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જાહેરમાં અશ્લીલ ડાન્સ કરતો વીડિયો વાયરલ થતાં, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આમોદમાં ખુલ્લી ગટરે લીધો માસૂમનો જીવ
ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે ખુલ્લી ગટર અને અંધારાના કારણે બે વર્ષીય માસૂમ વિહાન ગટરમાં ખાબકતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. લાંબી શોધખોળ બાદ બહાર કઢાયેલા બાળકને બચાવી શકાયો નહોતો. આ હૃદયદ્રાવક ઘટના બાદ તંત્રની લાપરવાહી સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

