VIDEO: NEWS AFTERNOON/ ખામેનેઈનો મૃતદેહ કટ્ટર દુશ્મન દેશ લઈ જવાશે, જેસલમેરમાં ભારે ધૂળની આંધીથી જનજીવન પ્રભાવિત, ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, નદીઓમાં ઘોડાપૂર!
સર્વોચ્ચ નેતા ખામેનેઈનો મૃતદેહ કટ્ટર દુશ્મન દેશ ઈરાક લઈ જવાશે!
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ તેમની અંતિમયાત્રા ૮ વર્ષ સુધી જેના સાથે યુદ્ધ ચાલ્યું તે ઈરાક લઈ જવાશે. નજફ અને કરબલામાં શ્રદ્ધાંજલિ બાદ ૯ જુલાઈએ મશહદમાં દફનવિધિ થશે. અંતિમયાત્રા દરમિયાન અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ જનમેદનીએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
મહારાષ્ટ્રમાં આકાશી આફત: મુંબઈ-પુણે એક્સપ્રેસવે 19 કલાક બાદ શરૂ!
મહારાષ્ટ્રના માવળમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. બીજી તરફ, પ્રતિકૂળ વાતાવરણને લીધે બંધ કરાયેલો મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો મિસિંગ લિંક માર્ગ ૧૯ કલાકના સમારકામ બાદ ફરી શરૂ કરાતાં મુસાફરોને મોટી રાહત મળી છે.
જેસલમેરમાં ભારે ધૂળની આંધીથી જનજીવન પ્રભાવિત!
રાજસ્થાનના જેસલમેરના સરહદી અને કેનાલ વિસ્તારોમાં ભારે ધૂળની આંધી ત્રાટકી છે. જોરદાર પવન સાથે ઉડેલી ધૂળને કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. દૈનિક કામકાજ ઠપ્પ થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
સુરતમાં જળબંબોળ: તમામ શાળાઓમાં રજા જાહેર!
સુરત શહેરમાં સવારથી જ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉધના અને મજુરાગેટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે. તંત્રના પ્રી-મોન્સૂન દાવાઓ પાણીમાં ધોવાયા છે, જ્યારે તીવ્ર પરિસ્થિતિને જોતાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શહેરની તમામ શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરાઈ છે.
ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, નદીઓમાં ઘોડાપૂર!
પંચમહાલના શહેરા, ડભોઇ અને અમરેલીમાં ધોધમાર વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ડભોઇમાં ૧૨ કલાકમાં ૫ ઇંચ અને બાબરામાં ૪ ઇંચ વરસાદથી કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હાઇવે માર્ગો પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને તંત્રએ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરી છે.
ડેમ ઓવરફ્લો થતાં તાપી અને ભાવનગરમાં ૩૦થી વધુ ગામો એલર્ટ!
તાપીનો ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતાં 57 ક્યુસેકથી વધુ પાણીનો ડિસ્ચાર્જ શરૂ કરાયો છે, જેના પગલે 17 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ, ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં તમામ 59 દરવાજા ખોલાયા છે. નદી કિનારાના 15થી વધુ ગામોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
પીખોર ગામમાં સ્મશાનની દીવાલ તૂટી, લાકડા તણાયા!
જૂનાગઢના માળિયા હાટીનાના પીખોર ગામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગામમાં પૂરના પાણી ભરાતાં સ્મશાનની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ છે અને અંતિમ સંસ્કાર માટે રાખેલા લાકડાં પણ તણાઈ ગયાં છે. યોગ્ય નિકાલના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે.
નેશનલ હાઈવે પર ટ્રક ડિવાઈડર પર ચડી!
છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને વડોદરા સાથે જોડતા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પેટ્રોલ પંપ ચોકડી નજીક ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

