NEWS AFTERNOON: ટ્રમ્પ માટે અમેરિકા નહીં પરિવાર ફર્સ્ટ?, રામ મંદિરમાં CEOની નિમણૂક મુદ્દે સંતો ભડક્યા!, ભગવાન જગન્નાથજીનો 108 કળશ સાથે જળાભિષેક!
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક!
કરાચીમાં સેનાના મુખ્યાલય પર થયેલા આત્મઘાતી હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ અડધી રાતે અફઘાનિસ્તાન સરહદે એર સ્ટ્રાઈક કરી છે. ગુપ્ત માહિતીના આધારે કરાયેલા આ હુમલામાં ૩૫ આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો છે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે કતારમાં યોજાશે બેઠક!
પશ્ચિમ એશિયામાં ભારે સૈન્ય ટકરાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો છે. હોર્મુઝની ખાડીના વિવાદને ઉકેલવા મંગળવારે કતારના દોહામાં બંને દેશો વચ્ચે હાઈ-લેવલ બેઠક યોજાશે, જ્યાં દરિયાઈ માર્ગે વ્યાપારી જહાજોની સુરક્ષા અંગે ચર્ચા કરાશે.
ટ્રમ્પ માટે અમેરિકા નહીં પરિવાર ફર્સ્ટ?
કઝાકિસ્તાન સાથે થયેલી ૧.૬ અબજ ડોલરની ટંગસ્ટન ડીલમાં ટ્રમ્પના દીકરાઓ અને વાણિજ્ય મંત્રીના પરિવારને મોટો ફાયદો થવાના અહેવાલે અમેરિકામાં હોબાળો મચાવ્યો છે. વિપક્ષે આને દેશહિતના બદલે પરિવારના ખિસ્સા ભરવાનો ખેલ ગણાવ્યો છે.
રામ મંદિરમાં CEOની નિમણૂક મુદ્દે સંતો ભડક્યા!
અયોધ્યા રામ મંદિરમાં IAS સ્તરના સીઈઓ રાખવાની હિમાયત સામે સંત સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે. સંતોએ ‘ધ્વનિ મત’થી અમલદારશાહી વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરી મંદિરને સત્તાનું સંસ્થાન ન બનાવવા વડાપ્રધાન મોદીને અપીલ કરી છે. આચાર્ય મિથિલેશ નંદિની શરણએ સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે, "શું અયોધ્યામાં રામ મંદિર બ્યુરોક્રેટ્સ ચલાવશે?
ભગવાન જગન્નાથજીનો 108 કળશ સાથે જળાભિષેક!
અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રાનું આયોજન કરાયું. જેમાં સાબરમતી નદીમાંથી લાવેલા પવિત્ર જળના ૧૦૮ કળશ વડે ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં છે. સુરક્ષાના ભાગરૂપે આ વખતે યાત્રામાં ઢોલ-ડીજે પર પ્રતિબંધ રખાયો છે. સાથે જ રથયાત્રા અને જળયાત્રાના બંદોબસ્તમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આખા રૂટનું ઝીણવટભર્યું ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું.
ડિમોલિશન ખર્ચ મામલે મનપા કમિશ્નર તુષાર સુમેરા રજા પર!
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો ખર્ચ ૩ કરોડ પર પહોંચતા વિવાદ ગરમાયો છે. આ મામલે સવાલોથી બચવા મનપા કમિશનર રજા પર ઉતર્યા હોવાની ચર્ચા છે, જ્યારે મેયર નેહલ શુક્લ આજે કોઈ મોટો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર!
મુંબઈમાં આખી રાત ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અંધેરી સબ-વે વાહનવ્યવહાર માટે બંધ કરાતાં ટ્રાફિક ઠપ થયો છે, જ્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદનું 'યેલો એલર્ટ' જાહેર કર્યું છે.
વરસાદ ખેંચાતા પશુપાલકો મુશ્કેલીમાં
સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ઘાસચારો ખૂટી પડ્યો છે, જેથી પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. લીલા અને સૂકા ચારાના ભાવ આસમાને પહોંચતા માલધારીઓએ સરકાર પાસે સસ્તો ચારો આપવા અને દૂધના ભાવ વધારવાની માંગ કરી છે.

