VIDEO: NEWS AFTERNOON/ ઈરાનનો અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલમારો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અસહ્ય ગરમીની આશંકા, અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કરાશે લોકાર્પણ!
ઈરાનનો અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલમારો!
અમેરિકાના હવાઈ હુમલાથી ભડકેલા ઈરાને રવિવારે કતાર, UAE અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા છે. કતારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે UAE એ અનેક મિસાઈલો હવામાં જ તોડી પાડી છે. સમગ્ર મિડલ ઈસ્ટમાં યુદ્ધની ભીતિ વચ્ચે હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
ટોરોન્ટોમાં અંધાધૂંધ ગોળીબારમાં 2 લોકોના મોત!
કેનેડાના ટોરોન્ટોમાં થયેલા ભયાનક સામૂહિક ગોળીબારમાં ૨ લોકોના મોત થયા છે અને ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી ફરાર હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે. કેનેડામાં મોન્ટ્રીયલ અને ટમ્બલર રિજ બાદ આ વર્ષની આ ત્રીજી મોટી શૂટિંગની ઘટના છે.
બાવી વાવાઝોડાએ ચીન, જાપાન અને ફિલિપાઈન્સને ઘમરોળ્યું!
ભયાનક પૂર વચ્ચે ચીન તરફ વધી રહેલા સુપર ટાયફૂન 'બાવી'એ ફિલિપાઈન્સ, જાપાન અને તાઈવાનમાં ભારે તબાહી મચાવી ૨૦ લોકોનો ભોગ લીધો છે. વાવાઝોડાના ખતરાને પગલે ચીન અને તાઈવાનમાં ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે, જ્યારે સેંકડો ફ્લાઈટ્સ રદ કરી શાળાઓ બંધ કરાઈ છે. ૧૪૪ કિમીની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીની આશંકા!
દેશમાં સતત 9 દિવસના ભારે વરસાદ બાદ હવે ચોમાસું હિમાલયની તળેટી તરફ સરકતાં બ્રેક વાગી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આગામી 5થી 7 દિવસ વરસાદ નહિવત રહેશે, જેના કારણે ભેજ અને ગરમી વધતાં પારો 45થી 50 ડિગ્રી જેવો અસહ્ય અનુભવાશે. જુલાઈના આ વહેલા વિરામથી ડાંગર જેવા ખરીફ પાકો માટે ચિંતા વધી છે, જોકે જુલાઈના અંતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે.
અમદાવાદમાં અમિત શાહ 405 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં AMC, ઔડા અને માર્ગ-મકાન વિભાગના ૪૦૫ કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં ૧૦૧ ઓક્સિજન પાર્ક અને ૮૦ નવી એસી ઈલેક્ટ્રિક BRTS બસો સામેલ છે. આ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરમાં ૩૮ લાખથી વધુ વૃક્ષો વાવવાની ભવ્ય હરિયાળી ઝુંબેશ હાથ ધરાશે.
જામનગરની 2 નારીશક્તિને ભાજપ મહિલા મોરચામાં મોટી જવાબદારી!
ગુજરાત ભાજપ મહિલા મોરચાની નવી પ્રદેશ ટીમની જાહેરાતમાં જામનગરને મોટું સ્થાન મળ્યું છે. જામનગરના એકતાબેન સોઢાની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે, જ્યારે ભાવિષાબેન ધોળકિયાને કારોબારી સભ્ય બનાવવામાં આવ્યા છે. આ બંને મહિલા આગેવાનોની નિમણૂકથી જામનગર ભાજપ સંગઠન અને સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
સુરેન્દ્રનગર કલેક્ટરે લીધી શાળાની સરપ્રાઈઝ મુલાકાત!
સુરેન્દ્રનગર જિલ્લાના ચોબારી ગામની શાળામાં કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીએ અચાનક મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન કલેક્ટરે શિક્ષકોની હાજરી, પુસ્તકો અને શાળાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુધારા માટે સૂચનો આપ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં કલેક્ટરની આ અનોખી પહેલની ભારે પ્રશંસા થઈ રહી છે.
પાટણમાં આરોગ્ય ધામ પોતે જ 'વેન્ટિલેટર' પર!
આરોગ્ય નગરી તરીકે જાણીતા પાટણ જિલ્લાના લણવા ગામનું સામુહિક આરોગ્ય કેન્દ્ર પોતે જ અનેક સમસ્યાઓથી ઘેરાયું છે. લેબ અને એક્સ-રે ટેકનિશિયન સહિત સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી સમગ્ર હોસ્પિટલ માત્ર એક જ ડૉક્ટરના ભરોસે ચાલી રહી છે, જ્યારે ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. એવામાં ગ્રામજનોએ સાચી સફાઈ અને સુધારા કરવાની ઉગ્ર માંગ કરી છે.

