મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

EVENING BULLETIN / US વર્ક પરમિટ નિયમમાં ફેરફાર, ભાજપ નેતાના ફાર્મહાઉસમાં લૂંટ, ગુજરાતમાં નવા લેબર કોડનો વિરોધ

યુએસ વર્ક પરમિટ નિયમમાં ફેરફાર

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ વર્ક પરમિટ એક્સપાયર થયા પછી મળતી ૫૪૦ દિવસની વધારાની સમયમર્યાદાની નીતિ કાયમી ધોરણે સમાપ્ત કરી દીધી છે. ૧૪ ઓક્ટોબરથી ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થતાં જ લાગુ થયેલા આ નિયમથી અમેરિકામાં કામ કરતા હજારો ભારતીયોને સીધી અસર થશે.

 સાઉદીના સમર્થનમાં પાકિસ્તાન

 સાઉદી અરેબિયા પર સતત થઈ રહેલા હૂતી હુમલાઓ વચ્ચે પાકિસ્તાન તેના સમર્થનમાં આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે તેમનો દેશ સાઉદીની પ્રાદેશિક અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મજબૂતીથી સાથે ઊભો છે. તેમણે મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટના નવા સેક્રેટરી જનરલ સાથે બેઠક બાદ આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ

સ્ક્રીપ્ટ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે CEC સામે વિરોધ કરી રહેલા NSUI અને અન્ય વિદ્યાર્થીઓને પોલીસે નિર્દયતાથી માર્યા છે. તેમણે દાવો કર્યો કે પોલીસના મારને કારણે કેરળની એક મહિલા પ્રદર્શનકારીએ એક કાનની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે.

કાનપુરમાં ભાજપ નેતાના ફાર્મહાઉસમાં લૂંટ

 ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાજપ પછાત વર્ગ મોરચાના નવનિયુક્ત પ્રદેશ મંત્રી રમેશ યાદવના ફાર્મહાઉસ પર બુકાનીધારી લૂંટારુઓએ ત્રાટકીને તેમને બંધક બનાવી લીધા હતા. લૂંટારુઓ તેમના હાથ-પગ બાંધી આશરે ૫૦ લાખ રૂપિયાની રોકડ અને કિંમતી સામાન લૂંટીને ફરાર થઈ જતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

કેવડિયામાં જમીન સંપાદન વિવાદ

 આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ કેવડિયામાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના ટેન્ટ સિટી બનાવી આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ૨૫ એકર જમીનનું વળતર હજુ ચૂકવાયું નથી અને જો ૩૧ ઓક્ટોબર સુધીમાં ન્યાય નહીં મળે તો વડાપ્રધાનના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

ગુજરાતમાં નવા લેબર કોડનો વિરોધ

 રાજ્યમાં નવા લેબર કોડ સામે વકીલો અને ટ્રેડ યુનિયનોએ બાંયો ચડાવી છે. લેબર કોર્ટના જજોની સત્તાઓ છીનવી વહીવટી અધિકારીઓને સોંપવાના પ્રસ્તાવ સામે રાજ્યભરની લેબર અને ઔદ્યોગિક અદાલતોએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે, જેમાં અમદાવાદ લેબર કોર્ટ બારના સભ્યો પણ કામકાજથી અળગા રહ્યા છે.

આ સમાચાર શેર કરો