EVENING BULLETIN: ટ્રમ્પને મોટો ઝટકો! યૌન શોષણ કેસમાં દોષિત હોવાનો ચુકાદો યથાવત્, પાકિસ્તાન ફરી જશે ‘ગ્રે લિસ્ટ’માં? ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી
ટ્રમ્પને મોટો ઝટકો! યૌન શોષણ કેસમાં દોષિત હોવાનો ચુકાદો યથાવત્
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં જ્યુરીના ચુકાદાને પડકારતી તેમની અપીલ કોર્ટે ફગાવી દીધી છે, જેથી હવે તેમણે પીડિતા ઈ. જીન કેરોલને વળતર પેટે અંદાજે 43 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
પાકિસ્તાન ફરી જશે ‘ગ્રે લિસ્ટ’માં?
આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ મામલે પાકિસ્તાન ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આગામી ઓક્ટોબરમાં પેરિસ ખાતે યોજાનારી FATFની બેઠકમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ સજ્જડ પુરાવા રજૂ કરી તેને ફરીથી ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવાની પૂરી તૈયારી કરી રહ્યું છે.
ભારતીય બંદરો પર રશિયન જહાજોની લાઇન!
જૂન મહિનામાં રશિયાથી ભારત આવતા ક્રૂડ ઓઇલની આયાત નવો રેકોર્ડ બનાવી શકે છે. એનર્જી એક્સપર્ટ્સના મતે, અત્યારે ભારતીય બંદરો પર રશિયન ઓઇલ ટેન્કરોની અભૂતપૂર્વ સંખ્યા જોવા મળી રહી છે, તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'મેં મારા જીવનમાં ભારતીય બંદરો પર રશિયન ઓઇલના આટલા બધા ટેન્કરો એકસાથે ક્યારેય જોયા નથી.'
પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ અંગે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા!
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે E20 પેટ્રોલથી વાહનોને કોઈ નુકસાન થવાના પુરાવા નથી. આ રાષ્ટ્રીય નીતિ દેશની ઉર્જા સુરક્ષા અને પર્યાવરણ માટે ફાયદાકારક છે અને આ 20% મિશ્રણના પોલિસી નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં થાય.
ફી બાકી હોવાથી તેજસ્વી વિદ્યાર્થિનીનું LC અટકાવ્યું
લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીનું LC ફી બાકી હોવાનું કહીને અટકાવી દેવાયું છે. ભાજપના નેતાની આ સ્કૂલ સામે વાલીએ હવે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી
નવસારી, અમરેલી અને વલસાડ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે. પરંતુ બીજી તરફ, સુરતના પર્વત ગામમાં પહેલા જ વરસાદે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં શાળાના બાળકો અને વાહલચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
સુરતમાં પહેલા વરસાદમાં જ રોડ બેસી ગયો
સુરતના મોટા વરાછામાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ સામાન્ય વરસાદમાં જ 400 મીટરનો આખો રસ્તો બેસી ગયો છે. રસ્તા પર કાર સમાઈ જાય તેવા 4 થી 5 મોટા ભુવા પડતાં પાલિકાની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદ
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન વીડિયોગ્રાફીના 24 લાખના બિલ મામલે નવો વળાંક આવ્યો છે. વીડિયોગ્રાફરે દાવો કર્યો છે કે તેને માત્ર ₹2,000 જ મળ્યા છે. ખરેખર ખર્ચ 6 થી 7 લાખનો જ હોવાની ચર્ચા વચ્ચે હવે મનપાની સમિતિ આ 24 લાખના ખર્ચની તપાસ કરી રહી છે.

