VIDEO: પ્લગમાં જ ટોસ્ટર કે ઓવન ભરાવી રાખો છો તો સાવધાન, સીસીટીવીમાં કેદ થઈ કાળજું કંપાવતી ઘટના!
શું તમે પણ રસોડાનું કામ પત્યા પછી ટોસ્ટર કે ઓવનનો પ્લગ સ્વિચ બોર્ડમાં જ ભરાવી રાખો છો? જો હા, તો આ આદત આજે જ બદલી નાખો. તમારી આ બેદરકારી તમારા આખા ઘરને બાળીને રાખ તો કરી જ શકે છે, સાથે જ ઘરમાં રહેતા લોકોના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. અમેરિકાના મેરીલેન્ડમાં એક પરિવારની આવી જ એક નાનકડી ભૂલના કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું. આ અકસ્માતમાં પરિવારના ત્રણ પાલતુ પ્રાણીઓ દાઝી જવાથી મૃત્યુ પામ્યા અને અંદાજે 1.50 કરોડ રૂપિયાની સંપત્તિ પણ રાખ થઈ ગઈ.
આગની આ ઘટના ઘરમાં લાગેલા સિક્યોરિટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેના ફૂટેજ જોઈને જ ખબર પડી કે ઘરમાં આગ કેવી રીતે લાગી. જો સીસીટીવી ન હોત તો એ ખબર જ ન પડી હોત કે ટોસ્ટરની સ્વિચ પ્લગમાં ઓન રાખવાથી આટલો મોટો અકસ્માત પણ થઈ શકે છે. સદનસીબે ઘટના સમયે ઘરના માલિક બહાર ગયા હતા અને પાલતુ પ્રાણીઓ સિવાય ઘરમાં કોઈ હાજર નહોતું.
ઘરના માલિક પોતાના પાલતુ શ્વાન (કુતરાઓ) બો, એડી અને ડકોટા તેમજ બે બિલાડીઓને ઘરમાં મૂકીને બહાર ગયા હતા. કિચન કાઉન્ટર પર એક ટોસ્ટર રાખેલું હતું. ટોસ્ટરનો પ્લગ પહેલેથી જ સ્વિચ બોર્ડમાં ભરાવેલો હતો. 'બો' નામનો કૂતરો રસોડામાં આવ્યો અને કાઉન્ટર પર કૂદકો મારીને ચડી ગયો. બોનું શરીર ટોસ્ટરના પ્લગ સાથે લાગેલી સ્વિચને અડી ગયું અને ટોસ્ટર ચાલુ થઈ ગયું. ત્યારબાદ ટોસ્ટર એટલું ગરમ થઈ ગયું કે તેની નજીક પડેલી એક વસ્તુએ આગ પકડી લીધી. જોતજોતામાં આગે આખા ઘરને પોતાની ઝપેટમાં લઈ લીધું.
પડોશીઓની મહેનત પણ જીવ ન બચાવી શકી
આગ લાગતા જ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. અંદાજે 30 ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચીને 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પડોશીઓએ સમજદારી દાખવીને બે કૂતરાઓ 'બો' અને 'એડી'ને તો સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. પરંતુ, ત્રીજો કૂતરો 'ડકોટા' અને પરિવારની બે બિલાડીઓ આ આગમાં જીવતી ભૂંજાઈ ગઈ. આ અકસ્માતમાં ઘર અને અન્ય સામાન મળીને કુલ 1.50 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

