Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Banking fraud is increasing with AI and deepfake! Account can be deleted even without OTP

VIDEO: AI અને ડીપફેકથી વધી રહ્યો છે બેંકિંગ ફ્રોડ! OTP વગર પણ ખાલી થઈ શકે છે ખાતું

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાપ્રત સમયમાં ઘરબેઠાં મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. વિતેલા કેટલાક મહિનાઓથી યુઝર્સને કોઈપણ પ્રકારનો એલર્ટ કે OTP આવ્યા વગર જ બેન્ક ખાતામાંથી પૈસા સરી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સાયબર ઠગો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

App Store

વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઈમના આંકડા

વૈશ્વિક સ્તર: વિશ્વભરમાં AI આધારિત સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં 84 ટકાનો વધારો નોંધાયો છે.

ભારતની સ્થિતિ: ચાલુ વર્ષે ભારતમાં 1 કરોડથી વધુ સાયબર ક્રાઈમના બનાવો બન્યા છે, જેમાં 30 લાખથી વધુ કેસ છેતરપિંડીના છે. આ ઉપરાંત, આ વર્ષે ફાયનાન્સિયલ ફ્રોડના ગુનામાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે.

ગુજરાતની સ્થિતિ: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં 30%નો વધારો થયો છે અને દરરોજ સરેરાશ 500 જેટલી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.

ડીપફેક અને વોઈસ ક્લોનિંગ દ્વારા કેવી રીતે થાય છે ઠગાઈ?

સાયબર ઠગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેમ કે વોટ્સ-એપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ), મેસેજિંગ એપ્લિકેશન, જોબ કે ડેટિંગ પ્લેટફોર્મ અને ફોન કોલ્સ દ્વારા લોકોને ટાર્ગેટ કરે છે:

ચહેરા અને અવાજની ચોરી: સોશિયલ મીડિયા પરથી ફોટોગ્રાફ્સ મેળવીને અથવા ફોન કોલ દરમિયાન વાતચીત રેકોર્ડ કરીને તમારો અવાજ (વોઈસ ક્લોનિંગ) અને ચહેરાના હાવભાવ મેળવવામાં આવે છે.

ડીપફેક વીડિયો નિર્માણ: AI ટૂલ્સની મદદથી તમારી આંખોના પલકારા, માથું ફેરવવું અને અવાજની આબેહૂબ નકલ કરીને બનાવટી વીડિયો તૈયાર કરાય છે.

KYC બાયપાસ: આ ડીપફેક વીડિયો અને બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને બેંકો તથા નાણાંકીય સંસ્થાઓની KYC પ્રક્રિયાને બાયપાસ કરવામાં આવે છે. જેનાથી OTP વગર બોગસ એકાઉન્ટ ખોલવા અથવા લોન લેવા જેવા કૃત્યો આચરવામાં આવે છે.

થલતેજ અને અન્ય શહેરોની ઘટનાઓ

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક વ્યક્તિના ઓળખ કાર્ડના ડેટા મેળવી, OTP વગર મોબાઈલ નંબર બદલી, ડીજી લોકર હેક કરીને નવા બેંક ખાતા ખોલવા તથા ઓનલાઈન લોન લેવાનો પ્રયાસ પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે આ કેસમાં તપાસ કરીને અમદાવાદ, આણંદ, વડોદરા અને ભરૂચમાંથી 4 યુવકોની ધરપકડ કરી છે, જેઓ અન્ય રાજ્યોના માસ્ટરમાઈન્ડ સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હતા.

સાયબર ઠગાઈથી બચવા માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી

ભારત સરકારના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર દ્વારા નાગરિકો માટે સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે:

બાયોમેટ્રિક ડેટા લોક કરો: પોતાના ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક વિગતો સુરક્ષિત રાખો.

ઈ-મેલ નોટિફિકેશન: પોતાના ઈ-મેલ અને બેંક નોટિફિકેશન પર સતત નજર રાખો.

નેટવર્ક કે SIM બંધ થાય તો: જો મોબાઈલનું સિગ્નલ કે SIM કાર્ડ અચાનક બંધ થઈ જાય, તો તરત જ ટેલિકોમ કંપનીનો સંપર્ક કરો.

પોલીસ ફરિયાદ: કોઈપણ શંકાસ્પદ આર્થિક હેરાફેરી કે ફ્રોડની જાણ થાય તો વિલંબ કર્યા વગર સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરો.

સોશિયલ મીડિયામાં શિસ્ત: સોશિયલ મીડિયા પર પોતાના કે પરિવારના અંગત ફોટોગ્રાફ્સ અને વિગતો શેર કરતી વખતે સ્વયંભૂ શિસ્ત જાળવવી અત્યંત જરૂરી છે.