VIDEO: WhatsApp યુઝર્સ સાવધાન! ભૂલથી પણ ડાઉનલોડ ના કરતા આ ફાઇલ્સ
જો તમે કમ્પ્યુટર કે લેપટોપ પર WhatsApp Desktop અથવા WhatsApp Webનો ઉપયોગ કરતા હોવ તો તમારે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. સાયબર ક્રિમિનલ્સે લોકોને શિકાર બનાવવા માટે એક નવી અને ખતરનાક પદ્ધતિ અપનાવી છે, જેમાં તેઓ .exe અને .dll જેવી ફાઇલો દ્વારા યુઝર્સના કમ્પ્યુટરમાં માલવેર (મિલિશિયસ વાયરસ) ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારી એક નાની ભૂલ તમારા વોટ્સએપ એકાઉન્ટની સાથે-સાથે કમ્પ્યુટરમાં રહેલા તમામ સિક્રેટ અને મહત્વપૂર્ણ ડેટાને પણ જોખમમાં મૂકી શકે છે.
કેવી રીતે થાય છે આ નવો સ્કેમ?
આ નવા સ્કેમમાં હેકર્સ/અટેકર્સ પોતાની ઓળખ કોઈ સરકારી વિભાગ, બેંક, કંપની કે બિઝનેસ પાર્ટનર તરીકે આપે છે અને WhatsApp પર તમારો સંપર્ક કરે છે. તેઓ કોઈ અગત્યનો ડોક્યુમેન્ટ, ઇનવોઇસ, બિલ, ટેક્સ નોટિસ કે બિઝનેસ ફાઇલનું બહાનુ બનાવીને એક ZIP ફાઇલ મોકલે છે અને તેને તરત જ ઓપન કરવા કહે છે. ઘણીવાર આ મેસેજ એટલા અસલી અને પ્રોફેશનલ લાગે છે કે લોકો વિચાર્યા વગર ફાઇલ ડાઉનલોડ કરી લે છે.
અહીંથી શરૂ થાય છે ખરો ખતરો
અસલી ખતરો ત્યારે શરૂ થાય છે જ્યારે યુઝર જીપ (ZIP) ફાઇલની અંદર આપેલી .exe (Executable) અથવા .dll (Dynamic Link Library) ફાઇલ પર ક્લિક કરીને તેને ઓપન કરે છે:
સિસ્ટમ પર કંટ્રોલ: ફાઇલ ઓપન થતાં જ કમ્પ્યુટરમાં છૂપી રીતે માલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જે કમ્પ્યુટર પર પોતાનો કંટ્રોલ મેળવી લે છે.
ડેટા ચોરી: આ વાયરસ તમારી બધી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે અને પાસવર્ડ કે અંગત માહિતી ચોરી શકે છે.
WhatsApp એકાઉન્ટ હેક: જો તમારા કમ્પ્યુટરમાં WhatsApp Web કે Desktop લોગ-ઇન હશે, તો હેકર્સ તમારા લોગ-ઇન સેશનનો એક્સેસ મેળવી લેશે.
મિત્રો-સગાંઓને ઠગાઈ: હેકર્સ તમારા નામે તમારા મિત્રો, સગાં-સંબંધીઓ કે સહકર્મીઓને મેસેજ કરીને પૈસા માંગી શકે છે અથવા ફેક લિંક્સ મોકલીને તેમને પણ શિકાર બનાવી શકે છે.
વિન્ડોઝ યુઝર્સ વધારે સાવચેત રહે!
સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું કહેવું છે કે આ એટેક ખાસ કરીને Windows PC / Laptop ને ટાર્ગેટ કરે છે, કારણ કે EXE અને DLL ફાઇલો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર જ રન થાય છે. તેથી કમ્પ્યુટર પર વોટ્સએપ વાપરતા લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.
ઓફિસમાં કામ કરતા લોકો વધુ ટાર્ગેટ પર
ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ રોજેરોજ ઈમેલ અને વોટ્સએપ પર અનેક ફાઇલો રિસીવ કરતા હોય છે. હેકર્સ આ જ વાતનો ફાયદો ઉઠાવીને સીનિયર અધિકારી કે ક્લાયન્ટ બનીને ફેક ફાઇલો મોકલે છે. એકવાર સિસ્ટમ ઇન્ફેક્ટ થઈ જાય પછી આખી કંપનીનો ડેટા ખતરામાં પડી શકે છે.
બચવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
અજાણી ફાઇલો રન ન કરો: કોઈપણ અજાણ્યા યુઝર દ્વારા મોકલવામાં આવેલી ZIP, EXE કે DLL ફાઇલને વગર તપાસે ક્યારેય ડાઉનલોડ કે ઓપન ના કરો.
કન્ફર્મેશન લો: જો કોઈ મેસેજ ખૂબ જ ઈમરજન્સી કે અગત્યનો હોવાનો દાવો કરે, તો સંબંધિત વ્યક્તિ કે સંસ્થાનો અન્ય માધ્યમથી સંપર્ક કરીને પહેલા કન્ફર્મ કરો.
અપડેટ રાખો: તમારા Windows સિસ્ટમ અને WhatsApp Desktop એપને હંમેશા લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો.
એન્ટીવાયરસનો ઉપયોગ: સિસ્ટમમાં સારા અને ભરોસાપાત્ર એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો.
જો ભૂલથી ફાઇલ ખુલી જાય તો શું કરવું?
જો ભૂલથી ફાઇલ ખુલી જાય અને કમ્પ્યુટરમાં કોઈ અસામાન્ય પ્રવૃત્તિ દેખાય, તો તરત જ ઇન્ટરનેટ ડિસકનેક્ટ કરો, WhatsApp Webના તમામ એક્ટિવ સેશન્સ Log Out કરી દો અને કમ્પ્યુટરને એન્ટીવાયરસથી ફુલ સ્કેન કરો.

