VIDEO: એડવાન્સ્ડ AI ખોટા હાથમાં ગયું તો માનવજાત સામે મોટું સંકટ! માસાયોશી સોની ચેતવણી
ક્યોટોમાં જાપાનના અબજોપતિ અને સોફ્ટબેન્ક (SoftBank)ના સ્થાપક માસાયોશી સો (Masayoshi Son)એ ઝડપથી વિકસી રહેલી એડવાન્સ્ડ AI (Advanced AI) ટેક્નોલોજીને લઈને દુનિયાને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો શક્તિશાળી AI સિસ્ટમ ખોટા હાથોમાં પહોંચી જશે તો માનવજાત માટે અત્યંત મોટું જોખમ ઊભું થઈ શકે છે. તેમના મતે ભવિષ્યમાં કોઈપણ દેશ એકલા એડવાન્સ્ડ AI સામે લડવાની સ્થિતિમાં નહીં હોય અને આ પડકારનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી બનશે.
આ દરમિયાન અમેરિકાએ પણ ક્યોટોમાં સુપર ઈન્ટેલિજન્સ (Superintelligence)ને વિજ્ઞાનના હથિયાર તરીકે રજૂ કરતો ‘ક્યોટો વિઝન ફોર અ ગોલ્ડન એજ ઓફ સાયન્સ’ (Kyoto Vision for a Golden Age of Science) દસ્તાવેજ રજૂ કર્યો છે. આ દસ્તાવેજને જર્મની, ગ્રીસ, ઈટાલી, જાપાન અને અમેરિકા સહિત 17 દેશોનું સમર્થન મળ્યું છે.
માસાયોશી સોની AIને લઈને કેમ ચિંતિત થયા?
જાપાનના ક્યોટોમાં યોજાયેલા સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન સોસાયટી ફોરમ (Science and Technology in Society Forum) કાર્યક્રમમાં માસાયોશી સોને AIના ઝડપી વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે AI ટેક્નોલોજી જે ઝડપે આગળ વધી રહી છે તેને જોતા હવે દેશો વચ્ચે પરસ્પર સંઘર્ષની પરંપરાગત રીતો પણ બદલાઈ શકે છે.
તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને AIના વિકાસ સાથે તેના સુરક્ષા પાસાં (Safety) પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. માસાયોશીના મતે, જો અત્યંત શક્તિશાળી AI સિસ્ટમ કોઈ ખોટા વ્યક્તિ, સંગઠન કે શક્તિના હાથમાં જશે તો તેના પરિણામો સમગ્ર માનવજાત માટે ગંભીર બની શકે છે.
‘AI સામે એક થઈને તૈયારી કરવી પડશે’
માસાયોશી સોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે કોઈ એક દેશ માટે એડવાન્સ્ડ AIનો સામનો કરવો સરળ નહીં રહે. જો AI માનવ ક્ષમતાથી પણ આગળ નીકળતી સુપર ઈન્ટેલિજન્સના સ્તરે પહોંચશે તો તેનો ઉપયોગ અને નિયંત્રણ સૌથી મોટો પડકાર બની શકે છે.
તેમણે દુનિયાના દેશોને પરસ્પર સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના મતે માણસે માણસ સામે લડવાને બદલે ભવિષ્યમાં ઉભા થઈ શકે તેવા સુપર ઈન્ટેલિજન્સ AIના જોખમ સામે એકસાથે તૈયારી કરવી પડશે.
અબજો ડોલરનું રોકાણ કરનાર સોની બદલ્યો સૂર
માસાયોશી સોની ચેતવણીને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તેઓ AIના વિકાસમાં ભારે રોકાણ કરનારા સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ છે. સોફ્ટબેન્કે તેમના નેતૃત્વ હેઠળ ચેટજીપીટી (ChatGPT) બનાવનારી ઓપનએઆઈ (OpenAI)માં 65 અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું જણાવાયું છે.
સો અત્યાર સુધી AIને માનવ જીવનધોરણ સુધારનારી અને વિશાળ આર્થિક તકો ઊભી કરનારી ટેક્નોલોજી તરીકે રજૂ કરતા આવ્યા છે. જોકે, હવે એડવાન્સ્ડ AI મોડેલ્સ સાથે જોડાયેલી સુરક્ષા અને સંભવિત જોખમોની ચિંતા વચ્ચે તેમનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે.
AI સુરક્ષાને લઈને દુનિયામાં વધતી ચિંતા
તાજેતરના મહિનાઓમાં એડવાન્સ્ડ AI મોડેલ્સના ઉપયોગ અને તેની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. AIની ક્ષમતાઓ સતત વધી રહી છે ત્યારે તેનો દુરુપયોગ, સુરક્ષા ભંગ (Security Breach) અને ખોટા હેતુ માટે ઉપયોગ થવાની શક્યતાઓ અંગે નિષ્ણાતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ જ પૃષ્ઠભૂમિમાં માસાયોશી સોની ચેતવણીને મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને AIના વિકાસમાં મોટા પ્રમાણમાં રોકાણ કરનારા વ્યક્તિ તરફથી આવી ચેતવણી એ વાત તરફ ઈશારો કરે છે કે ટેક્નોલોજીની પ્રગતિ સાથે તેની સુરક્ષા અને નિયંત્રણ પર વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચા જરૂરી બની છે.
અમેરિકાએ રજૂ કર્યો ‘ક્યોટો વિઝન’
આ કાર્યક્રમ દરમિયાન વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (Office of Science and Technology Policy)ના નિર્દેશક માઈકલ ક્રેટસિઓસે ‘ક્યોટો વિઝન ફોર અ ગોલ્ડન એજ ઓફ સાયન્સ’ દસ્તાવેજ રજૂ કર્યો હતો.
આ દસ્તાવેજમાં સુપર ઈન્ટેલિજન્સને વિજ્ઞાનના એક શક્તિશાળી સાધન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. દસ્તાવેજને 17 દેશોનું સમર્થન મળ્યું છે. તેમાં જર્મની, ગ્રીસ, ઈટાલી, જાપાન અને અમેરિકા સહિતના દેશો સામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે AI અને સુપર ઈન્ટેલિજન્સ હવે માત્ર ટેક્નોલોજીનો વિષય નહીં પરંતુ વૈશ્વિક સહકાર, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો બની રહ્યો છે.

