Tech News: Adobe એ ભારતીય વિદ્યાર્થીઓને આપી ભેટ, હવે Appsનું સબસ્ક્રિપ્શન મળશે ફ્રી

AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન Adobeએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટની જાહેરાત કરી છે. કંપનીએ ભારતની માન્યતા પ્રાપ્ત હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન હેઠળ કંપની તેના અનેક પ્રોડક્ટ્સ અને ક્રિએટિવિટી એપ્સનું ફ્રી એક્સેસ આપશે. આ સાથે જ કંપનીએ AI-ફર્સ્ટ લર્નિંગ અને સર્ટિફિકેશન માટે NASSCOM FutureSkills Prime સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી છે.
Adobeની ખાસ જાહેરાતો
સમિટ દરમિયાન અમેરિકન ટેક કંપની Adobe એ જાહેર કર્યું કે તે તેના AI પાવર્ડ પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી એપ્સ જેવા કે Photoshop, Acrobat, અને Fireflyનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપશે. આ ઓફર ભારતની માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે છે. Adobe એ આને 'સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ' ગણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ પગલાથી દેશમાં AI આધારિત સર્જનાત્મકતા અને ઉત્પાદકતાને વધુ બળ મળશે.
AI એપ્સના ફ્રી સબ્સ્ક્રિપ્શનની સાથે વિદ્યાર્થીઓને સોફ્ટવેરનો એક અભ્યાસક્રમ (Curriculum) પણ આપવામાં આવશે, જેથી તેઓ આ ટૂલ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. Adobeના જણાવ્યા અનુસાર, આ AI-ફર્સ્ટ ઓફર અને અભ્યાસક્રમ 15,000 શાળાઓ અને 500 કોલેજોના તમામ વિદ્યાર્થીઓ માટે મફતમાં ઉપલબ્ધ રહેશે, જ્યાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ હશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે બજેટમાં પણ આવી જ જાહેરાત કરી હતી.
NASSCOM FutureSkills Prime સાથે ભાગીદારી
Adobe એ સમિટમાં જણાવ્યું કે તેણે વિદ્યાર્થીઓને AI લર્નિંગ કોર્સ અને સર્ટિફિકેશન આપવા માટે NASSCOM FutureSkills Prime સાથે જોડાણ કર્યું છે. આ Adobe Digital Academyનું જ એક વિસ્તરણ છે.
Adobe સ્ટુડન્ટ સબસ્ક્રિપ્શન પ્લાન
સામાન્ય રીતે Adobe ના સબ્સ્ક્રિપ્શન પેકેજની વાત કરીએ તો, ભારતમાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ મહિને તેની કિંમત 400 રૂપિયા હોય છે અને ત્યારબાદ દર મહિને 2714 રૂપિયા ચૂકવવા પડે છે. આ Creative Cloud Pro સ્ટુડન્ટ પેકેજમાં Photoshop, Illustrator, Premiere, Acrobat Pro, Firefly, After Effects, InDesign અને Lightroom જેવા અનેક પ્રીમિયમ ટૂલ્સનો સમાવેશ થાય છે, જે હવે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મોટી રાહત આપશે.

