GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સાયબર સુરક્ષામાં આજનું જ્ઞાન, આવતીકાલે અધૂરું! AIના યુગમાં નવા પડકારો
રિપોર્ટેડ બાય: Pankaj Makwana, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદમાં અદાણી યુનિવર્સિટી ખાતે ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા ‘સાયબર સંવાદ’ કોન્ફ્લેવ યોજાયો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષાના પડકારો વધુ જટિલ બની રહ્યા છે. ‘સાયબર સિક્યોરિટી ઇન ધ એરા ઓફ AI’ થીમ પર યોજાયેલા કોન્ફ્લેવમાં સાયબર જોખમો, ડિજિટલ સુરક્ષા અને ટેક્નોલોજીના સુરક્ષિત ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બદલાતા જોખમો સામે સતત સજ્જતા જરૂરી
અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગનાં DCP ડૉ. લવિના સિન્હાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સાયબર ક્રાઇમના જોખમો અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “સાયબર સુરક્ષામાં આજે શીખેલું જ્ઞાન આવતીકાલે વ્યવહારુ રીતે પૂરતું ન પણ હોઈ શકે.” તેમનું આ નિવેદન ઝડપથી બદલાતી ટેક્નોલોજીના યુગમાં સતત શીખવાની અને સુરક્ષા અંગે સજાગ રહેવાની જરૂરિયાત દર્શાવે છે.
હેકાથોનમાં 220 વિદ્યાર્થીઓની ભાગીદારી
કોન્ફ્લેવ અંતર્ગત યોજાયેલા હેકાથોનમાં 67 ટીમના 220 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ધવલ પુજારા અને NFSUનાં આસિસ્ટન્ટ પ્રોફેસર (ડૉ.) રમ્યા શાહે પણ ડિજિટલ સુરક્ષાના વિવિધ પાસાં અંગે વિચારો રજૂ કર્યા હતા.
સહયોગથી જ સુરક્ષિત ડિજિટલ વિશ્વની દિશા
AI આધારિત ટેક્નોલોજીનો વ્યાપ વધે તેમ સાયબર જોખમોને સમજવા અને અસરકારક ઉકેલો વિકસાવવા શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગો તથા કાયદાનો અમલ કરતી એજન્સીઓ વચ્ચે સહયોગ જરૂરી બને છે. સાયબર સંવાદ જેવા મંચ જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની સાથે યુવાનોને સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય માટે નવીન ઉકેલો વિકસાવવા પ્રેરિત કરે છે.
