GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગજેરા કેમ્પસ વિદ્યાસભાના જ્ઞાન ભંડારમાં વધારો- લાયન્સ પુસ્તકાલય જ્ઞાન પરબ અર્પણ
રિપોર્ટેડ બાય: કલ્પેશ ખેર, અમરેલીપ્રકાશિત :
ફોટો 1 / 5
ગજેરા કેમ્પસ વિદ્યાસભાના જ્ઞાન ભંડાર માં વધારો- લાયન્સ પુસ્તકાલય જ્ઞાન પરબ અર્પણ
--------------------------------------------------------------------
પુસ્તક એટલે જ્ઞાનનો ભંડાર અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનાર- વસંતભાઈ ગજેરા
---------------------------------------------------------------
અમરેલી: શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને પુસ્તકો એ જ્ઞાન, વિચારશક્તિ તથા જીવનઘડતરના અમૂલ્ય સાધનો છે. આ જ ઉમદા ભાવનાને સાકાર કરતાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા, અમરેલીના પુસ્તકાલયને આશરે ૫૦૦ જેટલાં પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે અને અભ્યાસની સાથે વિચારશક્તિનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલું આ કાર્ય સમાજસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.
લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલું આ પુસ્તક અર્પણ કાર્ય માત્ર પુસ્તકોનું દાન નથી, પરંતુ વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન, વ્યક્તિત્વ ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કરવામાં આવેલું મૂલ્યવાન રોકાણ છે. પુસ્તકાલય એ કોઈપણ શૈક્ષણિક સંસ્થાનું જ્ઞાનકેન્દ્ર છે. અહીં ઉપલબ્ધ થનારાં પુસ્તકો વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, જીવનમૂલ્યો અને વિવિધ જ્ઞાનક્ષેત્રો સાથે પરિચિત થવાની તક પૂરી પાડશે. આ પહેલ વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાયની ટેવ, સર્જનાત્મકતા, તર્કશક્તિ અને જીવનભર શીખતા રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપશે.
વર્ષ ૧૯૫૯થી શિક્ષણક્ષેત્રે કાર્યરત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા, અમરેલી શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, કૌશલ્ય અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતી શૈક્ષણિક સંસ્થા તરીકે પોતાની પરંપરાને આગળ ધપાવી રહી છે. બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની તકો અને જ્ઞાનસભર વાતાવરણ પૂરું પાડવાની દિશામાં સંસ્થા સતત પ્રયત્નશીલ છે. આવા સમયે પુસ્તકાલયને મળેલું આ પુસ્તકદાન સંસ્થાના શૈક્ષણિક પ્રયાસોને વધુ સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રસંગે પીએમજેએફ પૂર્વ ગવર્નરશ્રી લાયન વસંતભાઈ મોવલિયા, ગવર્નરશ્રી લાયન હાર્દિકભાઈ મહેતા, વાઇસ ગવર્નરશ્રી લાયન જયકિશનભાઈ દેવાણી, કેબિનેટ ચેરપર્સન લાયન સમીરભાઈ કલકાણી, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન કાંતિભાઈ વઘાસિયા અને લાયન દિનેશભાઈ ભુવા, રીજન ચેરપર્સન લાયન કૌશિકભાઈ હપાણી, ઝોન ચેરપર્સન લાયન વિજયભાઈ વસાણી, પ્રમુખશ્રી લાયન જતીનભાઈ સુખડિયા, મંત્રીશ્રી લાયન રાજેશભાઈ ઝાલાવાડિયા, ખજાનચીશ્રી લાયન ગોરધનભાઈ માંદલિયા તથા રાજકોટના ઝોન ચેરપર્સન લાયન હસમુખભાઈ પટેલ સહિત લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે હાથ ધરવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવાભાવના સાથે કાર્ય કરતી સંસ્થાઓ જ્યારે શિક્ષણના વિકાસમાં સહભાગી બને છે, ત્યારે તેની સકારાત્મક અસર માત્ર એક સંસ્થા પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્યને સમૃદ્ધ બનાવે છે. આ પુસ્તકદાન દ્વારા લાયન્સ ક્લબે વિદ્યાર્થીઓના જ્ઞાનવિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તે માટે તમામને સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ અને મનસુખભાઈ ધનાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગજેરા કેમ્પસ પરિવાર દ્વારા લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈનના તમામ મહાનુભાવો, હોદ્દેદારો અને સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તમામ સભ્યોને આવકારને આભાર વ્યક્ત કરતા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી દ્વારા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ફક્ત લાઇબ્રેરીના પુસ્તકો વધારવા માટે નહીં પણ હજારો વિદ્યાર્થીઓને જીવન ઘડતરની નવી દિશા આપવાનુ કાર્ય કરશે, સંસ્થાને વિશ્વાસ છે કે આ પુસ્તકો વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રાપ્તિના નવા દ્વાર ખોલશે અને વાંચન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે.





