GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નાગપુર દીક્ષાભૂમિ ખાતે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણીમાં સાણંદ સહીત દેશભરમાંથી ભીમ અનુયાયીઓ ઉમટ્યા
રિપોર્ટેડ બાય: ગુલાબ બૌધ્ધ, સાણંદપ્રકાશિત :
ફોટો 1 / 5
સાણંદ : નાગપુર દીક્ષાભૂમિ ખાતે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણીમાં સાણંદ સહીત ગુજરાત અને દેશભરમાંથી ભીમ અનુયાયીઓ ઉમટ્યા
દશેરા પર અશોક વિજ્યા દસમી પર વિશેષ મહત્વ રહ્યું છે
ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઐતિહાસિક બૌદ્ધ ધમ્મદીક્ષા આંદોલનની સ્મૃતિમાં દીક્ષાભૂમિ ખાતે વંદના, વિવિધ બૌદ્ધ વિહારની મુલાકાત અને ઐતિહાસિક સ્તૂપનાં દર્શન,મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં આવેલી ઐતિહાસિક દીક્ષાભૂમિ ખાતે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભીમ અનુયાયીઓ, બૌદ્ધ ઉપાસકો અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા,ભારતના સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક પરિવર્તનના પ્રતીક સમાન દીક્ષાભૂમિ ખાતે પહોંચીને અનુયાયીઓએ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.બુદ્ધ વંદના, ત્રિશરણ-પંચશીલ અને બૌદ્ધ ધમ્મના સંદેશ સાથે સમગ્ર વાતાવરણ ધમ્મમય બન્યું હતું,14 ઓક્ટોબર, 1956ના રોજ નાગપુરની પવિત્ર ભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ભિક્ષુ ભદંત ચંદ્રમણી મહાસ્થવીર પાસેથી બૌદ્ધ ધમ્મદીક્ષા ગ્રહણ કરી હતી.
ત્યારબાદ તેમણે લાખો અનુયાયીઓને બૌદ્ધ ધમ્મની દીક્ષા અપાવી હતી,આ ઘટનાએ ભારતીય સમાજમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને માનવ ગૌરવના નવા અધ્યાયની શરૂઆત કરી હતી,ડૉ. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધમ્મને માત્ર ધાર્મિક માર્ગ તરીકે નહીં, પરંતુ તર્ક, કરુણા, પ્રજ્ઞા અને સમાનતાના જીવનમૂલ્યો તરીકે સ્વીકાર્યો હતો.તેમણે જાતિભેદ, અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાય સામે સંઘર્ષ કરતા સમાજને આત્મસન્માન તથા માનવતાનો માર્ગ બતાવ્યો હતો.આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં નાગપુરની દીક્ષાભૂમિ આજે વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓ અને આંબેડકરી વિચારધારાના સમર્થકો માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની છે.દર વર્ષે ઓક્ટોબર મહિનામાં વિજયાદશમીના અવસરે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવામાં આવે છે,મોટી સંખ્યામાં લોકો અહીં આવીને બાબાસાહેબના વિચારોને યાદ કરે છે અને બૌદ્ધ ધમ્મ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.ચંદ્રપુરમાં પણ બૌદ્ધ ધમ્મદીક્ષાની ઐતિહાસિક પરંપરા,નાગપુરની ઐતિહાસિક ધમ્મદીક્ષા બાદ 16 ઓક્ટોબર, 1956ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઉપસ્થિતિમાં મોટા પાયે બૌદ્ધ ધમ્મદીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો,આ ઘટનાએ વિદર્ભ વિસ્તારમાં બૌદ્ધ ધમ્મના પ્રસારને નવી દિશા આપી હતી. નાગપુર અને ચંદ્રપુર બંને સ્થળો આજે પણ આંબેડકરી ચળવળ તથા બૌદ્ધ ધમ્મના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે,આ વર્ષે પણ ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, કોડીનાર, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, જેતપુર, પોરબંદર, સુરત, વડોદરા સહિત વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભીમ અનુયાયીઓ નાગપુર પહોંચ્યા હતા,અનેક અનુયાયીઓ રેલવે અને ખાનગી પરિવહનનાં સાધનો મારફતે નાગપુર આવી ઐતિહાસિક દીક્ષાભૂમિ પર નતમસ્તક થયા હતા,સાણંદની ટીમે પણ આ ઐતિહાસિક યાત્રામાં જોડાઈને દીક્ષાભૂમિ ખાતે બુદ્ધ વંદના કરી હતી. યાત્રામાં જોડાયેલા અનુયાયીઓ માટે આ પ્રવાસ માત્ર ધાર્મિક મુલાકાત પૂરતો સીમિત નહોતો,પરંતુ બાબાસાહેબના જીવનસંઘર્ષ, સામાજિક ક્રાંતિ અને બૌદ્ધ ધમ્મના સિદ્ધાંતોને નજીકથી સમજવાની પ્રેરણાદાયી તક પણ હતો,નાગપુર પહોંચેલા અનુયાયીઓએ દીક્ષાભૂમિ ઉપરાંત શહેર અને આસપાસનાં વિવિધ બૌદ્ધ વિહાર તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. ચિચોલી, નાગલોક, ડ્રેગન પેલેસ, રામટેક વિસ્તાર, નાગાર્જુન પરંપરા સાથે સંકળાયેલાં સ્થળો, મંજુશ્રી બૌદ્ધ વિહાર અને ઇંદોરા બૌદ્ધ વિહાર સહિતનાં સ્થળોએ પહોંચીને અનુયાયીઓએ બુદ્ધ વંદના કરી હતી અને બૌદ્ધ સંસ્કૃતિ, ધમ્મ પરંપરા તથા આંબેડકરી વિચારધારાને લગતી સ્મૃતિઓને તાજી કરી હતી.આ સ્થળોની મુલાકાતથી યુવા પેઢીને બૌદ્ધ ધમ્મના ઇતિહાસ, ભારતીય બૌદ્ધ વારસા અને બાબાસાહેબના સામાજિક પરિવર્તનના સંદેશ વિશે જાણવાની તક મળી હતી.સાણંદની ટીમે રામટેક અને માનસર વચ્ચે પાવર હાઉસ નજીક આવેલા બૌદ્ધ સ્તૂપની પણ મુલાકાત લીધી હતી.પ્રાચીન બૌદ્ધ વારસા સાથે સંકળાયેલા આ સ્થળે પહોંચીને ટીમના સભ્યોએ ઐતિહાસિક સ્મૃતિઓને નિહાળી હતી.બૌદ્ધ ધમ્મના પ્રાચીન અવશેષો અને સ્તૂપો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના મહત્ત્વપૂર્ણ અંગ છે. આવી મુલાકાતો દ્વારા ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને આગામી પેઢી સુધી તેના મહત્ત્વને પહોંચાડવાનો સંદેશ પણ મળે છે.ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થળ સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અમ્બાવડે ગામના લોકો સાથે પણ સાણંદની ટીમે મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન બૌદ્ધ સ્તૂપનાં દર્શન કરવામાં આવ્યાં હતાં અને બાબાસાહેબના જીવન, તેમના સંઘર્ષ તથા સામાજિક પરિવર્તનના કાર્યને યાદ કરવામાં આવ્યું હતું.બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા ગામો, ઐતિહાસિક સ્થળો અને સ્મારકોની મુલાકાત આંબેડકરી ચળવળ સાથે જોડાયેલા લોકો માટે વિશેષ ભાવનાત્મક મહત્ત્વ ધરાવે છે. આવી મુલાકાતો ગુજરાત અને મહારાષ્ટ્રના અનુયાયીઓ વચ્ચે સામાજિક એકતા, પરસ્પર સંવાદ અને બૌદ્ધ ધમ્મના પ્રસારને વધુ મજબૂત બનાવે છે.
નાગપુરના પાટણકર ચોક, ગલી નંબર 10 ખાતે દિવંગત સંજય મેશ્રામ સાહેબના નિવાસસ્થાન સાથે સંકળાયેલા મેશ્રામ પરિવાર દ્વારા વિવિધ રાજ્યોમાંથી ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આવતા બૌદ્ધ અનુયાયીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે,અનેક રાજ્યો માંથી આવતા લોકો માટે રોકાણ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને સેવાભાવના ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે,દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવતા અનુયાયીઓને સહયોગ અને સુવિધા મળે તે માટે પરિવાર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા સામાજિક એકતા અને માનવતાની ભાવનાને ઉજાગર કરે છે,ધમ્મચક્ર પ્રવર્તન દિવસ જેવા વિશાળ કાર્યક્રમ દરમિયાન આવી સેવાઓ યાત્રાળુઓ માટે ઉપયોગી સાબિત થાય છે,ધમ્મચક્ર પ્રવર્તન દિવસ માત્ર એક ઐતિહાસિક ઘટનાની યાદ અપાવતો દિવસ નથી, પરંતુ સમાનતા, ન્યાય, શિક્ષણ, બંધુતા અને માનવ ગૌરવના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ દિવસ પણ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો સંદેશ આપીને સમાજને પ્રગતિનો માર્ગ બતાવ્યો હતો,નાગપુરની દીક્ષાભૂમિ પર એકત્રિત થતા લાખો અનુયાયીઓ બાબાસાહેબના સંઘર્ષને યાદ કરીને સામાજિક ભેદભાવ દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાનતામૂલક સમાજની રચના માટે પ્રેરણા મેળવે છે,ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી નાગપુર પહોંચેલી સાણંદ સહિતની ટીમોની મુલાકાતથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને બૌદ્ધ ધમ્મનો સંદેશ આજે પણ દેશના લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોત છે.દીક્ષાભૂમિની પવિત્ર ભૂમિ પર બુદ્ધ વંદના અને વિવિધ બૌદ્ધ સ્થળોનાં દર્શન કરીને અનુયાયીઓએ પ્રજ્ઞા, કરુણા અને સમાનતાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





