GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કાંકરિયા લેકફ્રન્ટ પર ગરબાનો રંગઃ 1,000થી વધુ દિવ્યાંગજનો સાથે ઝૂમશે અમદાવાદ!
રિપોર્ટેડ બાય: પત્રકાર પંકજ મકવાણા, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદમાં દિવ્યાંગજનોને સાંસ્કૃતિક ઉત્સવમાં સહભાગી થવાની તક મળે અને સૌ સાથે મળીને ગરબાની પરંપરાનો આનંદ માણી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 24 ઓક્ટોબરે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયાનાં ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમવાર યોજાનારા આ વિશેષ મહોત્સવમાં 1,000થી વધુ દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ગરબે રમશે. સાંજે 7:30થી રાત્રે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક ઉજવણી સાથે સામાજિક સહભાગિતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દિવ્યાંગજનો માટે વિશેષ આયોજનઃ સહભાગિતા વધારવાનો પ્રયાસ
કાંકરિયા લેકફ્રન્ટના વિશાળ પરિસરમાં યોજાનારા આ મહોત્સવમાં મોટા રાઉન્ડમાં ગરબા રમવાની સાથે પરિવારજનો અને મિત્રો નાના સમૂહોમાં બેસીને કાર્યક્રમનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનોને પણ અન્ય નાગરિકોની જેમ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની તક મળે તે દૃષ્ટિએ આ આયોજન મહત્ત્વનું છે. જો આ પહેલ સફળ રહેશે, તો કાંકરિયા ખાતે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની તકો ઊભી થઈ શકે છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પર ભાર
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા, સંસદસભ્યો હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા સહિતના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં સહભાગી બનશે.
મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને CCTV કેમેરા દ્વારા દેખરેખ, સિક્યુરિટી ગાર્ડ્સ, પૂરતી લાઇટિંગ, તળાવની સુરક્ષા માટે રેસ્ક્યૂ બોટ અને તબીબી કટોકટી માટે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ વિભાગના મહિલા અને પુરુષ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં જોડાશે. મહિલા પોલીસ વિંગની ટીમ પરંપરાગત પોશાકમાં ગરબે રમીને કાર્યક્રમમાં સહભાગી બનશે. આ પહેલનો હેતુ પોલીસ અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ તથા પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાનો છે.
નિઃશુલ્ક પ્રવેશઃ સફળતા મળશે તો નવરાત્રિના નવ દિવસ ગરબાની શક્યતા
કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા નાગરિકો માટે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર 1, 3, 4, 5, 6 અને 7 પરથી નિઃશુલ્ક પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. AMC દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવ્યાંગજનોનો ઉત્સાહ વધારવા અપીલ કરવામાં આવી છે.
જો આ આયોજન વ્યવસ્થિત રીતે સંપન્ન થશે અને નાગરિકોનો સારો પ્રતિસાદ મળશે, તો આગામી વર્ષે નવરાત્રિના નવ દિવસ કાંકરિયા ખાતે ગરબાનું આયોજન કરવા અંગે પણ વિચારણા થઈ શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય ભવિષ્યની વિચારણા અને આયોજન પર નિર્ભર રહેશે. હાલના તબક્કે આ મહોત્સવ દિવ્યાંગજનોની સહભાગિતા, સાંસ્કૃતિક પરંપરા અને નાગરિકોની એકતાને પ્રોત્સાહન આપતી પહેલ તરીકે યોજાઈ રહ્યો છે.
