GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

*​શરદપૂર્ણિમાએ કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ સ્વામીનો ૧૦૫મો પ્રાગટ્ય દિન ઉજવાશે.*

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક, સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના પ્રાગટ્યને ૧૦૫ વર્ષ પૂર્ણ થતાં હોવાથી તારીખ ૨૫ ઓક્ટોબરના રોજ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન કુમકુમ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા પૂજ્ય સ્વામીજીને ૧૧ ફૂટનો વિશાળ માળાનો હાર ધરાવવામાં આવશે.

જાહેરાત

​ત્યારબાદ સાંજે ૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી કુમકુમ આનંદધામ - હીરાપુર ખાતે વિશેષ કાર્યક્રમ ઉજવાશે.

જેમાં ધ્યાન, ભજન, કીર્તન ભક્તિ તેમજ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આ પ્રસંગે પ્રેરક વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી સદ્ગુરુ સ્વામીના જીવન-કવન પર વિશેષ લાઈવ પોડકાસ્ટનો લાભ આપશે. કાર્યક્રમના અંતમાં શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે અને સંતો-હરિભક્તો દ્વારા સામૂહિક પૂજન કરી આરતી ઉતારવામાં આવશે.

​રાત્રે ૮:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમિયાન શરદપૂર્ણિમા નિમિત્તે દિવ્ય રાસોત્સવ યોજાશે અને અંતમાં ઠાકોરજીને દૂધ-પૌંઆનો પ્રસાદ ધરાવવામાં આવશે. દેશ-વિદેશના ભક્તો ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકે તે માટે સમગ્ર કાર્યક્રમનું 'સ્વામિનારાયણ મંદિર કુમકુમ' યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

​આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી (CM) અને ભારતના વડાપ્રધાન (PM) દ્વારા આ પાવન અવસરે ખાસ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા છે.

​ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે,

"સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ભારતીય સંસ્કૃતિ, સદાચાર અને આધ્યાત્મિકતાનો પ્રચાર-પ્રસાર દેશ-વિદેશ સુધી પહોંચાડવાનું અદભુત કાર્ય કર્યું છે.

પૂજ્ય સ્વામીજીની દિવ્ય સ્મૃતિ અને પ્રેરણાદાયી વિચારો આપણી યુવા પેઢીને રાષ્ટ્રસેવા, સંસ્કાર અને સમર્પણના માર્ગે ચાલવાની નિરંતર પ્રેરણા આપતા રહેશે."

​ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે,

"પ.પૂ. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું સંપૂર્ણ જીવન સમાજ ઉત્થાન, ધર્મ પ્રસાર અને સંસ્કૃતિના જતન માટે સમર્પિત રહ્યું છે. દેશ-વિદેશમાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ સેવાકાર્યોમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. સ્વામીજીના આચરણ અને ઉપદેશ અસંખ્ય સત્સંગીઓના જીવન ઘડતરમાં પાયારૂપ નિમિત્ત બન્યા છે. તેમના દ્વારા શરૂ કરાયેલી સેવા-પ્રવૃત્તિઓ આજે પણ સંસ્થા દ્વારા આગળ ધપી રહી છે અને જનસમુદાય સુધી તેમના સંસ્કારો પહોંચી રહ્યા છે તે અત્યંત પ્રશંસનીય છે."