GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
દાહોદની તેજલબેનનો આંતરરાષ્ટ્રીય ડંકો! એશિયન પેરા ગેમ્સમાં 200 મીટરની દોડમાં જીત્યો બ્રોન્ઝ
રિપોર્ટેડ બાય: Sr. Journalist Pankaj Makwana, અમદાવાદ - ગાંધીનગરપ્રકાશિત :

વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ સાથે ગુજરાતની દૃષ્ટિબાધિત દોડવીરે વધાર્યું દેશનું ગૌરવ; હવે નજર 400 મીટરની સ્પર્ધા પર
ગાંધીનગર, 20 ઓક્ટોબર: જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ-2026માં ગુજરાતના દાહોદની દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન અમરજી ડામોરે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા 200 મીટર T12 સ્પર્ધામાં મેડલ મેળવીને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સંઘર્ષ, સખત મહેનત અને સતત અભ્યાસના સહારે આગળ વધેલી તેજલબેનની આ સિદ્ધિ અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
સંઘર્ષથી સફળતા સુધીની સફર
તેજલબેને વર્ષ 2022માં પેરા એથ્લેટિક્સની શરૂઆત કરી હતી. ત્યારથી તેમણે સતત પ્રદર્શન સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI), ગાંધીનગરના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહેલાં 24 વર્ષીય તેજલબેને 200 મીટરની હીટ્સમાં 25.25 સેકન્ડનો સમય નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અગાઉ સપ્ટેમ્બર 2026માં દુબઈ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં તેમણે 25.47 સેકન્ડના સમય સાથે સુવર્ણચંદ્રક જીત્યો હતો.
કોચના માર્ગદર્શનથી આંતરરાષ્ટ્રીય સફળતા
તેજલબેને પોતાની સફળતાનો શ્રેય કોચ નીતિન ચૌધરીને આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, કોચની સતત મહેનત, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શને આ સિદ્ધિ હાંસલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 2025ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં છઠ્ઠું સ્થાન મેળવ્યા બાદ તેમણે 2026ની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને દુબઈ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
સરકારી સહયોગથી રમતગમતની તૈયારીને વેગ
તેજલબેનની રમતગમતની તૈયારી માટે કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ACTC યોજના હેઠળ રૂ. 2,05,961ની નાણાકીય સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત SAI ગાંધીનગર ખાતે તેમને કોચિંગ, રમતગમતની સુવિધાઓ અને જરૂરી માળખાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે.
હવે નજર 400 મીટરની સ્પર્ધા પર
તેજલબેનની મુખ્ય સ્પર્ધા મહિલા 400 મીટર T12 છે, જે હજુ યોજાવાની છે. 200 મીટરમાં મળેલા મેડલથી આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવતાં તેમણે આગામી સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી છે.
તેજલબેનનું સ્વપ્ન માત્ર વ્યક્તિગત સફળતા પૂરતું સીમિત નથી. તેઓ દાહોદમાં દૃષ્ટિબાધિત બાળકો માટે દોડનો વિશેષ ટ્રેક બનાવવાની ઇચ્છા ધરાવે છે. જો તેમનું આ સ્વપ્ન સાકાર થશે, તો તે વિસ્તારના અન્ય દિવ્યાંગ બાળકોને પણ રમતગમતમાં આગળ વધવા માટે નવી તક પૂરી પાડી શકે છે.
તેજલબેનની આ સિદ્ધિ સાબિત કરે છે કે યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને તક મળે તો પડકારો વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકાય છે. હવે તેમની નજર આગામી 400 મીટરની સ્પર્ધામાં વધુ એક શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે.
