GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના દ્વિતીય સ્થાપના દિવસે ‘ઉદય સેવા સંકલ્પ મહોત્સવ-2026’ની ઉજવણી
રિપોર્ટેડ બાય: રિપોર્ટર ગુલાબ બૌધ્ધ, સાણંદપ્રકાશિત :
ફોટો 1 / 5
સાણંદ : ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ, સાણંદના દ્વિતીય સ્થાપના દિવસ નિમિત્તે દાદાગ્રામ આશ્રમ શાળા ખાતે **‘ઉદય સેવા સંકલ્પ મહોત્સવ-2026’**નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સ્થાપના દિવસને માનવસેવા અને સમાજકલ્યાણને સમર્પિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરકારી શાળાઓમાં અભ્યાસ કરી એસ.એસ.સી તથા એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં શાળામાં શ્રેષ્ઠ ટકાવારી મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા બહેનોને માતૃ પોષણ કીટ તેમજ કુપોષિત બાળકોને બાળ પોષણ કીટ મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.જે. ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ સોલંકી, દાદાગ્રામ આશ્રમ ટ્રસ્ટી જેસીંગદાદા,નિવૃત્ત કેપ્ટન વિજયચંદ,ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબ બૌધ્ધ, ટ્રસ્ટના ઉપ પ્રમુખ એડવોકેટ સંજય વાઘેલા,પૂર્વ લાયન્સ પ્રમુખ,વિપુલભાઈ ઠાકોર,આશ્રમ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ, નાની દેવતી સબ સેન્ટરના હેલ્થ કર્મચારી મદીનાબેન, સગર્ભા બહેનો સહિત ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થા સ્થાપના પહેલાં પણ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયે સેવાકીય કામગીરીમાં અગ્રેસર રહી હતી. છેવાડાના ગામડાઓમાં શિક્ષણનો દર વધે તે હેતુથી પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, શિક્ષણ કીટ અને ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે દિવાળીના પાવન પર્વ નિમિત્તે દીપોત્સવ અંતર્ગત નિઃસહાય, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ તથા રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવે છે. ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના દ્વિતીય સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં ‘સેવા એ જ સંકલ્પ’ના ભાવ સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




