GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પાટણ લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી
રિપોર્ટેડ બાય: આશિષ શાહ, પાટણપ્રકાશિત :
ફોટો 1 / 4
પાટણ: લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમયસર વરસાદ પડતાં ખેતીના પાકને નવજીવન મળવાની આશા પણ ખેડૂતોમાં જાગી છે.
છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને વાવેતર કરાયેલા પાક માટે યોગ્ય સમયે વરસાદની ખાસ જરૂરિયાત હોવાથી ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પાટણમાં વરસાદ વરસતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે આગામી દિવસોમાં પણ સારો અને સતત વરસાદ થાય તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, પાટણ શહેરમાં પડેલા વરસાદે તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉભા કર્યા છે. થોડા સમયના વરસાદમાં જ શહેરનું રેલવે નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.
એક તરફ મેઘરાજાની પધરામણીથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારો અને રેલવે નાળા સહિતના સ્થળોએ પાણી ભરાતા સ્થાનિકોમાં મુશ્કેલી જોવા મળી હતી. થોડા સમયના વરસાદમાં જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો શું સ્થિતિ સર્જાશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલ વરસાદના આગમનથી સમગ્ર પાટણ જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો હવે મેઘરાજા નિયમિત મહેર કરે અને ખેતીના પાકને પૂરતું પાણી મળી રહે તેવી આશા રાખી રહ્યા છે. બીજી તરફ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે




