GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમરેલી જિલ્લાની તોડ બાજ ગેંગ વિરુદ્ધ સુરતમાં હની ટ્રેપનોં ગુન્હો નોંધાયો
રિપોર્ટેડ બાય: મહેન્દ્ર આઝાદ, અમરેલીપ્રકાશિત :

સુરત: અમરોલી અને મોટા વરાછા વિસ્તારમાં હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભાડાના મકાનમાં રહેતી એક મહિલા અને તેના સાગરીતોએ વેપારીને નગ્ન કરી વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, વેપારી અમરોલી વિસ્તારમાં ભાડું વસૂલવા ગયા હતા. તે સમયે ભાડૂઆત મહિલા મનીષાબેન ખોડાભાઈ બગડાએ દરવાજો અંદરથી બંધ કરી હનીટ્રેપનો ખેલ રચ્યો હતો. ત્યારબાદ તેનો સાગરીત પ્રકાશભાઈ હરજીભાઈ ચપ્પુ સાથે ત્યાં આવ્યો હતો અને વેપારીને માર મારી બળજબરીથી નગ્ન કર્યાનો આક્ષેપ છે. બંનેએ મોબાઈલમાં આપત્તિજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ. 7 લાખ પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ પછી પણ કથિત રીતે બ્લેકમેઇલિંગ ચાલુ રાખી વેપારી પાસેથી પહેલા રૂ. 50 લાખ અને બાદમાં રૂ. 70 લાખની માંગણી કરવામાં આવી હતી. સાથે જ મકાન પોતાના નામે કરી આપવા દબાણ કરાયું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, રૂ. 38 લાખના ચેક અને પ્રોમિસરી નોટ લખાવી લઈ જેલમાં ધકેલી દેવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં વાત કરવામાં આવી છે.
પીડિત પરિવારે આરોપીઓ સાથેની વાતચીતના ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે એકત્ર કર્યા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આધેડના પુત્રની ફરિયાદના આધારે મનીષાબેન બગડા, પ્રકાશ હરજીભાઈ, વસંત ચાવડા અને એક વકીલ સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપોની હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે.
