GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ધ્રોલમાં વરસાદના અભાવે મગફળીનો પાક સુકાયો, ધ્રોલના ખેડૂતે 25 વીઘામાં ટ્રેક્ટર ફેરવ્યું

ધ્રોલમાં વરસાદના અભાવે મગફળીનો પાક સુકાયો, ધ્રોલના ખેડૂતે 25 વીઘામાં ટ્રેક્ટર ફેરવ્યું — ફોટો 1

જામનગર: જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે પૂરતો વરસાદ ન થતાં તેમજ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ ન રહેતાં મગફળીનો પાક સુકાઈ ગયો હતો. જેના પગલે એક ખેડૂતે 25 વીઘા જમીનમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાની ફરજ પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખીજડીયા ગામના ખેડૂતના જણાવ્યા મુજબ, તેમણે ચાલુ સીઝનમાં 25 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સમયસર વરસાદ ન થતાં અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં પાક ધીમે ધીમે સુકાઈ ગયો હતો. પાક બચાવવાની શક્યતા ન રહેતાં અંતે ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દેવાનો નિર્ણય લેવાયો હતો.

ખેડૂતના જણાવ્યા મુજબ, બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત પ્રતિ વીઘે અંદાજે રૂ.15 હજારથી રૂ.20 હજાર જેટલો ખર્ચ થયો હતો. આમ, 25 વીઘામાં મોટો ખર્ચ કર્યા બાદ પણ પાકમાંથી આવકની શક્યતા ન રહેતાં ખેડૂતને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જાહેરાત

પાણી વગર 10 કલાક વીજળીનો શું ઉપયોગ?

ખેડૂતે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાના સરકારના દાવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, બોર અને કૂવામાં પાણી જ ઉપલબ્ધ ન હોય ત્યારે 10 કલાક કે 24 કલાક વીજળી મળે તો પણ તેનો ખેતી માટે કોઈ ઉપયોગ થઈ શકતો નથી. તેમણે સરકાર પાસે વીજળીની સાથે સિંચાઈ માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
ઊંડ-1 ડેમમાં પાણી ભરવાની માંગ

ખીજડીયા ગામ નજીક આવેલા ઊંડ-1 ડેમમાં સૌની યોજનાની લિંક-1ની પાઇપલાઇન મારફતે પાણી ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ડેમમાં પાણી ઉપલબ્ધ થાય તો આસપાસના વિસ્તારમાં આવેલા ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળી શકે તેમ ખેડૂતોનું કહેવું છે.

ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગખેડૂતોના જણાવ્યા મુજબ, ચાલુ સીઝનમાં ધ્રોલ તાલુકામાં અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદના અભાવે ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને યોગ્ય સહાય અને રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.