મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નીવૃત મામલતદાર ની વિધવા પુત્રવધૂને મિલકતમાં હક્ક ન મળતાં આપઘાત કરવા પહોંચી,અભયમે બચાવી કાયદાકીય કાર્યવાહી કરવા સલાહ આપી

નીવૃત મામલતદાર ની વિધવા પુત્રવધૂને મિલકતમાં હક્ક ન મળતાં આપઘાત કરવા પહોંચી,અભયમે બચાવી કાયદાકીય કાર્યવાહી કરવા સલાહ આપી — ફોટો 1

   અમદાવાદ પૂર્વમાં સાસરિયાઓ દ્વારા મિલકતમાં હક્ક ન આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપથી વ્યથિત થયેલી બે સંતાનોની માતા બ્રિજ પર આપઘાત કરવા પહોંચી હતી. જોકે, આસપાસના લોકોની સતર્કતાથી પરિવારને જાણ કરવામાં આવી અને અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમને જાણ કરાતા ટીમે સ્થળ પર પહોંચી મહિલાને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ મહિલાને કાયદાકીય કાર્યવાહી કરીને પોતાના હક્ક મેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 ચાર વર્ષથી સાસરિયાઓએ હક આપ્યા વગર કાઢી મૂકી

    મહિલાના પતિના અવસાનને આઠ વર્ષ પૂર્ણ થયા છે. પતિના અવસાન બાદ મહિલા ચાર વર્ષ સુધી પોતાના બે બાળકો સાથે સાસરીમાં રહી હતી. ત્યારબાદ સાસરી પક્ષ દ્વારા તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મહિલાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારથી મહિલા પોતે ગારમેન્ટનું કામ કરીને બંને બાળકોનું ભરણપોષણ કરી રહી છે.દરમિયાન મહિલાને અન્ય વ્યક્તિ મારફતે જાણવા મળ્યું હતું કે, સાસરી પક્ષમાં તેની સાસુ અને જેઠાણી દ્વારા તેને મિલકતમાંથી બેદખલ કરવા માટે નવું પેઢીનામું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વાતથી મહિલાને પોતાના તથા બાળકોને સાસરીની મિલકતમાં કોઈ હક્ક નહીં મળે તેવી ચિંતા થતાં તે આપઘાત કરવાના ઈરાદે બ્રિજ પર પહોંચી ગઈ હતી.

પતિના વાહનો જેઠ જેઠાણી વાપરે છે

      દરમિયાન આસપાસના લોકોએ મહિલાના પરિવારજનોને જાણ કરી તેમને બોલાવ્યા હતા અને અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં મહિલાએ જણાવ્યું હતું કે, તેના સસરા મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને તેમને પેન્શન મળે છે. લગ્ન સમયે બનાવવામાં આવેલા સોનાના દાગીના તેમજ તેના પતિએ ખરીદેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનો ઉપયોગ હાલમાં જેઠ-જેઠાણી કરતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો.

સાસુએ મિલ્કત મા હક આપવાની ના પાડી

અભયમની ટીમ મહિલાની સાસરીમાં પહોંચી હતી અને ત્યાં હાજર તેની સાસુ સાથે વાતચીત કરી હતી. જોકે, સાસુએ પણ મહિલાના ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી તેને મિલકતમાં કોઈ હક્ક નહીં મળે તેમજ તેને સાસરીમાં સાથે રાખવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

અભયમે મહિલાને કાયદાકિય કાર્યવાહી કરવા સલાહ આપી

આથી અભયમની ટીમે મહિલાને સમજાવી આત્મઘાતી પગલું ન ભરવા જણાવ્યું હતું અને મિલકત સહિતના પોતાના કાયદેસરના હક્ક મેળવવા માટે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહિલાને મુશ્કેલીના સમયે પરિવારજનો તથા સંબંધિત સરકારી હેલ્પલાઇનની મદદ લેવા સમજાવવામાં આવી હતી.