GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોયફ્રેન્ડ સાથે વાત કરતા પકડાતાં માતા-પિતાએ માર માર્યો, બે સગીરાઓ બિહારથી અમદાવાદ આવી પહોંચી અભયમે વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

બિહારમાં બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાનું માતા-પિતાને જાણ થતાં ઠપકો અને મારપીટ કરવામાં આવતા બે સગીરાઓ ઘરેથી નીકળી અમદાવાદ આવી પહોંચી હતી. બંને સગીરાઓને કાલુપુર વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યા બાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કરી હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો છે.
બોયફ્રેન્ડ સાથે વાત કરતા પિતાએ માર માર્યો
અમદાવાદ પોલીસ સ્ટેશનમાં 18 વર્ષથી ઓછી ઉંમરની બે બાળકી મળી આવી હોવાની જાણ થતાં તેમના કાઉન્સેલિંગ અને આશ્રય માટે 181 અભયમની ટીમને બોલાવવામાં આવી હતી. ટીમે બંને સગીરાઓનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે બંને બિહારની રહેવાસી અને મિત્ર છે. એક સગીરા રાત્રિના સમયે ચોરીછૂપીથી બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી. આ અંગે માતા-પિતાને જાણ થતાં તેમણે સગીરાને માર માર્યો હતો. બીજી સગીરા પણ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતું.
મોબાઈલ ટ્રેકિંગ અમદાવાદના આશ્રમ નજીક મળ્યું
આ ઘટનાથી બંને સગીરાઓ પોતાના ઘરેથી નીકળી બોયફ્રેન્ડને ફોન કરીને અમદાવાદ આવી હતી. પરિવારજનોને ઘરે બંને સગીરાઓ નહીં મળતાં બિહારના નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા મોબાઇલ નંબર ટ્રેક કરતાં બંને સગીરાઓ અમદાવાદના વિસ્તારમાં કોઈ આશ્રમ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કાલુપુર પોલીસને જાણ કરી બંને સગીરાઓને શોધી કાઢવામાં આવી હતી.
બોયફ્રેન્ડ અમદાવાદ મજૂરી કરે છે
181ની ટીમે સગીરાઓના બોયફ્રેન્ડનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે તે અમદાવાદમાં મજૂરી કામ કરે છે અને બંને સગીરાઓ ફરવા માટે તેની સાથે અમદાવાદ આવી હોવાનું જણાવ્યું હતું.181 અભયમની ટીમે બંને સગીરાઓને કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપી સલાહ-સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. ટીમે સમજાવ્યું હતું કે પરિવારજનોને જાણ કર્યા વગર આ રીતે ઘરેથી એકલા નીકળવું જોખમી બની શકે છે. નાની ઉંમરમાં અભ્યાસ પર ધ્યાન આપવાની સાથે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવા અને પોતાની સુરક્ષા અંગે સાવચેત રહેવા પણ સમજાવવામાં આવ્યું .
માતા પિતા દ્વારા બિહારમાં ગુમ થયાની અરજી કરવામાં આવી હોવાથી 181ની ટીમે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના માતા-પિતાને અમદાવાદ બોલાવ્યા હતા. માતા-પિતાએ ચાર દિવસમાં દીકરીઓને લેવા આવવાની જાણ કરી હતી. ત્યાં સુધી બંને સગીરાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.
