મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

માથા અને હાથમાં સ્ટેપલર પિન મારેલી માનસિક અસ્થિર મહિલાને અભયમે આશ્રયગૃહમાં પહોંચાડી

માથા અને હાથમાં સ્ટેપલર પિન મારેલી માનસિક અસ્થિર મહિલાને અભયમે આશ્રયગૃહમાં પહોંચાડી — ફોટો 1

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માથા અને હાથના વિવિધ ભાગોમાં સ્ટેપલર પિન મારેલી હાલતમાં મળી આવેલી માનસિક અસ્થિર મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

    પૂર્વ વિસ્તારમાં એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી કે એક મહિલા મળી આવી છે, જેની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી. જાણ મળતાં 181 અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું.

   કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા મૂળ બિહારના વતની છે અને કોઈ કારણસર અમદાવાદ આવી પહોંચ્યા હતા. મહિલાની શારીરિક સ્થિતિનું નિરીક્ષણ કરતાં તેમના માથા તથા હાથના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. વધુમાં, માથાના અડધા ભાગ તથા હાથના વિવિધ ભાગોમાં સ્ટેપલર પિન મારેલી હોવાનું પણ જણાયું હતું.મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ પોતાનું ચોક્કસ સરનામું, પરિવારજનો કે અન્ય જરૂરી માહિતી સ્પષ્ટ રીતે જણાવી શકતા ન હતા. જેથી મહિલાની ઓળખ અને પરિવારજનો અંગે માહિતી મેળવવા માટે અભયમની ટીમે આસપાસની ચાલીઓમાં પૂછપરછ કરી હતી. મહિલાને ઓળખતા લોકો અથવા તેમના પરિવારજનો અંગે માહિતી મેળવવાના અનેક પ્રયાસો છતાં કોઈ ચોક્કસ માહિતી મળી શકી ન હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 181 અભયમની ટીમે નજીકના પોલીસ સ્ટેશનમાં બિનવારસી મહિલાની જાણ કરી હતી અને મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાને સુરક્ષિત વાતાવરણ અને જરૂરી સંભાળ મળી રહે તે હેતુથી આશ્રયગૃહમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરી દરમિયાન 181 અભયમની ટીમે સંવેદનશીલતા અને સતર્કતા દાખવી સમયસર હસ્તક્ષેપ કરી એક અસહાય મહિલાને સુરક્ષિત આશ્રય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.