GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અકસ્માત બાદ પુત્રે માતાને રસ્તા પર નિર્વસ્ત્ર અવસ્થામાં મૂકી દીધી, 181 અભયમે રેન બસેરામાં આશ્રય અપાવ્યો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદમા બ્રિજ નીચે નિર્વસ્ત્ર અવસ્થામાં અસહાય હાલતમાં પડેલી વૃદ્ધા અંગે એક દયાળુ નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી વૃદ્ધાને મદદ કરી હતી. વૃદ્ધાને હાલ વાસણા રેન બસેરામાં આશ્રય આપવામાં આવ્યો છે.
વૃદ્ધા નો એકનો એક પુત્ર સંભાળ રાખતો નહિ
181 અભયમને મળેલા કોલના આધારે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં વૃદ્ધા અત્યંત દયનીય હાલતમાં મળી આવી હતી. તેમના શરીર પર માખી-મચ્છર બણબણતા હતા અને હાથમાં ઈજા પણ જણાતી હતી. વૃદ્ધા પાસે શરીર ઢાંકવા માટે કપડાં પણ નહોતાં. શરૂઆતમાં તેઓ સુતેલી હાલતમાં હોવાથી ટીમે તેમને જગાડી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતા ન હતા. ભૂખ લાગી હોવાનું જણાતા ટીમે તેમને જમવાનું અને પાણી આપ્યું હતું.સ્થળ પર આવતા સફાઈ કામદારોએ અભયમની ટીમને જણાવ્યું હતું કે વૃદ્ધા અગાઉ પણ અહીં જ રહેતાં હતાં અને અગાઉ સ્વસ્થ તેમજ હરી-ફરી શકતાં હતાં. વૃદ્ધાને એક પુત્ર છે, પરંતુ તે તેમની સંભાળ રાખતો નથી. થોડા સમય પહેલાં વૃદ્ધાનો અકસ્માત થતાં તેમના પગમાં ઈજા થઈ હતી. તે સમયે પુત્ર તેમને હોસ્પિટલ લઈ ગયો હતો અને સારવાર કરાવ્યા બાદ તબિયતમાં સુધારો થતાં ફરીથી આ જ સ્થળે મૂકી ગયો હોવાની માહિતી મળી હતી.
અભયમે વૃદ્ધા ને નવડાવી રેન બસેરામાં સોંપી
આસપાસના લોકો માનવતાના ધોરણે વૃદ્ધાને ખાવા-પીવાનું આપી મદદ કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અભયમની ટીમે વૃદ્ધાના પુત્રનો સંપર્ક કર્યો હતો. જોકે પુત્રે પોતે હાલ બહાર હોવાનું કહીને ફોન મૂકી દીધો હતો અને વૃદ્ધાને પોતાની સાથે લઈ જવા અંગે કોઈ સહકાર આપ્યો ન હતો. વૃદ્ધા પોતાની જાતે હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી અભયમની ટીમે સમાજસેવા ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી તેમને વાસણા રેન બસેરામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વૃદ્ધાને નવડાવી સ્વચ્છ કરવામાં આવ્યા બાદ રેન બસેરાના સંચાલકોને તેમની જવાબદારી સોંપવામાં આવી હતી.
