GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
London કુમકુમ મંદિર ખાતે ભગવાનને ત્રિરંગાના શણગાર અને હિંડોળા કરવામાં આવ્યા
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ London - UK ખાતે 15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્ર પર્વ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ત્રિરંગાના શણગાર કરવામાં આવ્યા હતા અને તિરંગાના હિંડોળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાને ઝુલાવવામાં આવ્યા હતા.
આ અંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, યુરોપની અંદર પણ ભારતીય યુવાનોમાં આપણો રાષ્ટ્રપ્રેમ વધુ જાગૃત થાય તેવા હેતુથી કુમકુમ મંદિરમાં તિરંગાનો શણગાર કરવામાં આવ્યા હતા અને ભગવાનને હિંડોળા પણ ત્રિરંગાના કરવામાં આવ્યા હતા.
સાધુ પ્રેમવત્સલદાસજીએ વિશેષમાં જણાવ્યું હતું કે,૧૫મી ઓગસ્ટ એટલે આપણો દેશ આઝાદ થયો એનો ઉત્સવ! જે આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને લાખો ક્રાંતિકારીઓએ હસતા મુખે ફાંસીના ફંદાઓ ચૂમી લીધા, એ આઝાદીનો આ પાવન દિવસ છે. સરહદ પર ઉભેલા જવાનોને કારણે આજે આપણે આપણા ઘરમાં સુરક્ષિત શ્વાસ લઈ રહ્યા છીએ. એ તમામ દેશભક્તોને શત શત નમન.
કારણ કે, ભારત દેશમાં જીવવું,એમાં કંઈ મોટું નથી, દેશ માટે જીવીને કાંઈક કરી બતાવવું એ જ ખરું છે. દેશની શાન માટે જીવે તે જ ખરો યુવાન છે. દેશને માટે જીવીએ, તેની આન,શાન,બાન વધારીએ. મિત્રો, બીજી વાત એ છે કે, દેશ તો ઈ.સ.૧૯૪૭માં આઝાદ થઈ ગયો, પણ શું તમે પોતે ખરેખર આઝાદ છો?
બહારની ગુલામીમાંથી તો આપણને મુક્તિ મળી ગઈ, પણ આપણી અંદર રહેલી ગુલામીનું શું? આજે આપણે ગુલામ છીએ આપણા ક્રોધના, આપણી આળસના, નકારાત્મક વિચારોના અને સોશિયલ મીડિયાના એડિક્શનના! સાચી આઝાદી ત્યારે જ ગણાશે જ્યારે આપણે આપણા મન પર કંટ્રોલ મેળવીશું.
જેમ દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓએ લોહી વહાવ્યું હતું, તેમ તમારે તમારા જીવનને સફળ બનાવવા માટે મહેનતનો પરસેવો વહાવવો પડશે. તમારા મનમાં બેઠેલા ડર, અહંકાર અને ઈર્ષ્યા જેવા દોષો સામે ક્રાંતિ છેડવી પડશે. જ્યાં સુધી તમે તમારા મનના રાજા નહીં બનો, ત્યાં સુધી દુનિયા જીતવાનું સપનું અધૂરું રહેશે.
તો આવો, આ શ્રાવણ માસના પવિત્ર વાતાવરણમાં અને આ પાવન સ્વતંત્રતાના દિવસે એક પ્રતિજ્ઞા લઈએ... દેશને તો આગળ વધારીશું જ, પણ પોતાની જાત પર વિજય મેળવીને સાચા અર્થમાં આઝાદ બનીશું!
જય હિંદ, જય ભારત
સત્સંગ સભામાં પણ સંતો હરિભક્તોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જનમન ગણ... ગીત ગાયને ભારત દેશને સલામી આપી હતી.





