GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કમરના દુખાવાને કારણે આરામ કરતી પુત્રવધૂને સાસુએ કામ કરવા કહેતા 181ની મદદ લીધી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાસુ-વહુ વચ્ચેના વિવાદને પગલે એક મહિલાએ અભયમ હેલ્પલાઇન 181 પર મદદ માંગી હતી. મહિલાએ સાસુ દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. કોલ મળતા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ડોક્ટરે આરામની સલાહ આપી પણ સાસુ કામ કરવા ફરજ પાડે છે
અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે મહિલાએ લવ મેરેજ કર્યા છે અને તે હોસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેના પતિ ડોક્ટર તરીકે કાર્યરત છે. બંને પતિ-પત્ની સંયુક્ત પરિવારમાં રહેતા હતા તથા પરિવારના ઘરખર્ચમાં સહયોગ આપતા હતા. છેલ્લા કેટલાક સમયથી મહિલાને કમરના દુખાવાની તકલીફ થતાં તબીબે આરામ કરવાની સલાહ આપી હતી. જેથી તે ઘરકામ કરી શકતી ન હતી. આ દરમિયાન સાસુ દ્વારા તેને કામ કરવા માટે કહેવામાં આવતાં બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. સાસુ દ્વારા ઘર છોડી જવા અંગે મહેણાં-ટોણા મારવામાં આવતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો.
પુત્રવધૂ તબિયત સારી હતી તો પણ કામ નહોતી કરતી: સાસુ
બીજી તરફ 66 વર્ષીય સાસુનું કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવ્યું હતું કે પોતાની તબિયત સારી ન હોવા છતાં તેઓ ઘરનું કામકાજ સંભાળે છે. વહુ બીમાર પડી તે પહેલાંથી પણ ઘરકામ કરતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ પુત્ર અને પુત્રવધૂએ લવ મેરેજ કર્યા બાદ બંનેને અલગ રહેવા જણાવ્યા હોવા છતાં તેઓ અલગ રહેવા જતા ન હોવાથી ઘરમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું સાસુએ જણાવ્યું હતું. દીકરા-વહુ વચ્ચે પણ વારંવાર ઝઘડા થતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
અભયમે વણસી ગયેલ સ્થિતિમાં સમજણથી સમાધાન કરાવ્યું
કાઉન્સેલિંગ દરમિયાન બંને પક્ષ એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા હતા. પરિસ્થિતિ એટલી વણસી હતી કે બંને તરફથી આત્મહાનિ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. અભયમ ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજી બંને પક્ષને શાંતિથી સાંભળ્યા હતા અને પરસ્પર સમજણ, સંયમ તથા સકારાત્મક સંવાદનું મહત્વ સમજાવ્યું હતું.અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગથી બંને પક્ષ શાંત થયા હતા અને લાંબા સમયથી ચાલતો વિવાદ થાળે પડ્યો હતો. ટીમે ભવિષ્યમાં વિવાદ ઊભો થાય ત્યારે પરસ્પર સંવાદથી ઉકેલ લાવવા તેમજ જરૂરી જણાય ત્યારે યોગ્ય મદદ મેળવવા બંને પક્ષને માર્ગદર્શન આપ્યું હતું.
