GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
થલતેજમાં દોડતી 108માં ગુંજી નવજાતની કિલકારી, 108 ટીમની સમયસૂચક કામગીરીથી એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસૂતિ
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

થલતેજના પાલોડિયા ટેકરા, રણછોડ રોડ નજીક સગર્ભા મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. જાણ થતાં થલતેજ લોકેશનની 108 એમ્બ્યુલન્સ (GJ18GB1960) તાત્કાલિક સ્થળે પહોંચી મહિલાને હોસ્પિટલ લઈ જવા રવાના થઈ હતી.દરમિયાન રસ્તામાં મહિલાની પ્રસૂતિની પીડા વધતાં 108 ટીમે તપાસ કરી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસૂતિ થવાની સંભાવના જણાતાં એમ્બ્યુલન્સમાં જરૂરી તબીબી વ્યવસ્થા કરવામાં આવી હતી. ERCP ડૉ. પંકજ સાહેબના માર્ગદર્શન હેઠળ 108 ટીમે જરૂરી તબીબી સાવચેતી અને કાળજી સાથે એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી.
પ્રસૂતિ બાદ નવજાત શિશુની જરૂરી કાળજી લેવામાં આવી હતી. માતા અને નવજાતની સ્થિતિ સ્થિર જણાતાં બંનેને વધુ સારવાર અને તબીબી તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.108 ટીમની સમયસૂચકતા, તબીબી કુશળતા અને સેવાભાવ બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ 108ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહી તથા EME નરેશ પરમારે ટીમની કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કરી હતી.
