GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભાઈએ મોબાઈલ અંગે પૂછતાં ગુસ્સે થયેલી સગીરા વહેલી સવારે ઘરેથી નીકળી, 181 અભયમે પરિવાર સુધી પહોંચાડી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વહેલી સવારે એકલી બેઠેલી 16 વર્ષની સગીરાને સ્થાનિક જાગૃત નાગરિકોએ અજાણી અને ભટકતી હોવાનું માની 181 અભયમ હેલ્પલાઇનમાં જાણ કરતાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. અંતે સગીરાને તેના મોટા ભાઈ સાથે મિલન કરાવી પરિવારને સોંપવામાં આવી હતી.
લોકોએ સવારે 5 વાગે સગીરા ચિંતાતુર હાલતમાં મળતા અભયમ બોલાવી
વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સમયે એક સગીરા વિસ્તારમાં એકલી બેઠેલી જોવા મળી હતી. સ્થાનિક વ્યક્તિએ 181 અભયમ હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરી હતી કે, એક છોકરી સવારથી એકલી બેઠી છે અને તે અંગે કોઈને જાણ નથી. અભયમની ટીમ સ્થળ પર પહોંચતાં સગીરાએ શરૂઆતમાં પોતે નોકરી માટે નીકળી હોવાનું તથા તેના માતા-પિતા ન હોવાનું અને તે એકલી રહેતી હોવાનું જણાવ્યું હતું.સગીરાનું કાઉન્સેલિંગ કરતાં તેણે પોતે ઉત્તર પ્રદેશની હોવાનું અને ભાડાના મકાનમાં રહી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હોવાનું જણાવ્યું હતું. જોકે, સગીરા ખૂબ ગભરાયેલી હોવાથી અને પરિવાર અંગે સ્પષ્ટ માહિતી આપતી ન હોવાથી અભયમની ટીમે આસપાસના લોકોને પણ તેના વિશે પૂછપરછ કરી હતી.
સગીરાએ ભાઈનો નંબર અભયમને આપતા ઘેર પહોંચાડી
અભયમ ટીમે સગીરાને તે જ્યાં રહે છે ત્યાં લઈ જવા અથવા પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરતાં શરૂઆતમાં તેણે એકલી પોતાના રૂમ પર જવાની વાત કરી હતી. જોકે, બાદમાં કાઉન્સેલિંગ દરમિયાન તેણે જણાવ્યું કે તેના માતા-પિતા નથી અને તેનો મોટો ભાઈ તથા ભાભી સાથે તે રહે છે. સગીરાએ તેના ભાઈનો મોબાઈલ નંબર આપતાં અભયમની ટીમે ભાઈનો સંપર્ક કર્યો હતો.
કોનો મોબાઈલ છે પૂછતા ગુસ્સે થઈ ફેંકી દીધી પછી શોધવા નીકળી
સગીરાના ભાઈએ અભયમને જણાવ્યું હતું કે, તે સવારથી પોતાની બહેનને શોધી રહ્યો છે. રાત્રે કામ પરથી ઘરે આવ્યા ત્યારે બહેન પોતાની સાથે એક મોબાઈલ લઈને આવી હતી. ભાઈએ મોબાઈલ કોનો છે તે પૂછતાં સગીરાએ કોઈ જવાબ આપ્યો નહોતો અને ગુસ્સામાં મોબાઈલ ફેંકી દીધો હતો. ત્યારબાદ સવારે તે મોબાઈલ શોધવા માટે ઘરની બહાર નીકળી ગઈ હતી, પરંતુ મોબાઈલ મળ્યો નહોતો. તે ક્યારે ઘરેથી નીકળી ગઈ તેની પણ પરિવારને જાણ થઈ નહોતી.
મોબાઈલ ફ્રેન્ડનો હતો ચાર્જિંગ માટે લાવેલ કોનો છે પૂછતા ગુસ્સામાં ફેંકી દીધો
બીજી તરફ, અભયમના કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ જણાવ્યું કે મોબાઈલ તેની ફ્રેન્ડનો હતો, પરંતુ ચાર્જિંગ કરવા માટે તે મોબાઈલ ઘરે લઈને આવી હતી. ભાઈએ મોબાઈલ અંગે પૂછતાં ગુસ્સામાં મોબાઈલ ફેંકી દીધો હતો અને બાદમાં તે મોબાઈલ શોધવા માટે ઘરની બહાર નીકળી હતી.
સગીરાને ભાઈને સોંપી ભાઈએ અભયમનો આભાર માન્યો
અભયમ ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને અજાણ્યા સ્થળે એકલી ન નીકળવા તેમજ પરિવારજનો સાથે કોઈ બાબત અંગે મનદુઃખ થાય તો વાતચીતથી ઉકેલ લાવવા અંગે સમજ આપી હતી. ત્યારબાદ સગીરાને તેના મોટા ભાઈને સોંપવામાં આવી હતી.સગીરા સુરક્ષિત રીતે મળી આવતાં તેના ભાઈએ 181 અભયમની ટીમનો આભાર માન્યો હતો. ભાઈએ જણાવ્યું હતું કે, તે વહેલી સવારે પાંચ વાગ્યાથી પોતાની બહેનને શોધી રહ્યો હતો અને અભયમની મદદથી બહેન સુરક્ષિત મળી આવી હતી.
