GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સાવકો ભાઈ નશોકરી માતા પિતાને માર મારતા તેમજ સગીર બહેનની છેડતી અડપલાં કરતા અભયમની મદદ લીધી, અભયમે પોલીસને સોંપ્યો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નશાની લતના કારણે 25 વર્ષીય યુવક માતા-પિતા પાસેથી નશાના પૈસા માંગતો અને પૈસા ન મળતાં મારામારી કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં, યુવક પોતાની 15 વર્ષની સગીર સાવકી બહેન સાથે છેડતી અને અડપલાં કરતો હોવાના આક્ષેપથી સગીરા પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવતી હતી. અંતે સગીરાએ અભયમની મદદ લેતાં અભયમની ટીમે યુવકને પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી છે.
સાવકો ભાઈ નશામાં માતા પિતાને મારે છે મને અડપલાં કરે છે:- સગીર બહેન
15 વર્ષની સગીરાએ અભયમમાં કોલ કરી મદદ માગી હતી. કોલના આધારે અભયમ ટીમ તેના ઘરે પહોંચી હતી. સગીરાએ ટીમને જણાવ્યું હતું કે તેની માતાના પ્રથમ લગ્નથી થયેલો 25 વર્ષીય પુત્ર વારંવાર માતા-પિતા પાસે નશા માટે પૈસા માંગતો હતો. પૈસા ન મળે ત્યારે દારૂ, ગાંજા અને સિગારેટના નશાની હાલતમાં માતા-પિતા સાથે મારામારી કરતો હતો.યુવક માતા-પિતાને પટ્ટા વડે માર મારતો તેમજ છરી બતાવી ધમકી આપતો હોવાની પણ સગીરાએ અભયમ ટીમને જાણ કરી હતી. આ ઉપરાંત યુવક સગીર બહેનની છેડતી કરી અડપલાં કરતો હોવાથી સગીરા પોતાના ઘરમાં પણ સુરક્ષિત અનુભવતી નહોતી. લાંબા સમયથી ચાલી રહેલા આ વર્તનથી પરિવારજનો ઉપરાંત સમગ્ર સોસાયટીના લોકો પણ કંટાળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
અભયમે સાવકા ભાઈને પોલીસને સોંપ્યો
સગીરા અને તેના માતા-પિતા ભયભીત સ્થિતિમાં હોવાથી અભયમ ટીમે સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા સમજી યુવકને રેસ્ક્યૂ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સમક્ષ યુવકને સોંપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સગીરાની સુરક્ષાને પ્રાથમિકતા આપી અભયમ ટીમે પરિવારને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ સગીરાને માનસિક સહાય પૂરી પાડી હતી.
