GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પાટણની ઉડાન વિદ્યાલયમાં ‘બેસ્ટ રિપોર્ટર’ એક્ટિવિટી યોજાઈ: વિદ્યાર્થીઓએ આત્મ વિશ્વાસ સાથે કર્યું હવામાન રિપોર્ટિંગ
રિપોર્ટેડ બાય: પિનલ નાગર, પાટણપ્રકાશિત :

પાટણ શહેરના રૂની મુકામે આવેલી ‘ઉડાન વિદ્યાલય’ ખાતે ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ‘બેસ્ટ રિપોર્ટર’ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં નાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓએ હવામાન આધારિત સુંદર વીડિયો રિપોર્ટ તૈયાર કર્યા હતા. બાળકોએ કેમેરા સામે આત્મવિશ્વાસપૂર્વક માઈક પકડીને પોતાની રજૂઆત કરી હતી, કેટલાક વિદ્યાર્થીઓ એ એડિટિંગ સાથે, માઈક આઈ ડી, લેપટોપ, કોલર માઈક વગેરેનો ઉપયોગ કરીને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ આત્મવિશ્વાસ કેળવવાનો અને તેમની રજૂઆત કરવાની ક્ષમતાને વિકસાવવાનો હતો. આ ઉપરાંત, બાળકોમાં રહેલો સ્ટેજ ફિયર અને સંકોચ દૂર કરી તેમની વાચા અને આત્મવિશ્વાસમાં વધારો કરવાનો પણ હેતુ હતો, જેથી તેઓ ભવિષ્યમાં સક્ષમ રિપોર્ટર બની શકે. આ બાળ-રિપોર્ટિંગ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી ચેતનભાઈ બારોટ અને સમગ્ર શિક્ષકગણે વિશેષ જહેમત ઉઠાવી હતી. શિક્ષકો અને ટ્રસ્ટી દ્વારા બાળકોને રિપોર્ટિંગના વિવિધ પાસાઓ, વિષય પસંદગી અને કેમેરા સામે બોલવાની શૈલી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. યોગ્ય માર્ગદર્શન મળતા બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.