મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બે બાળકોનો પિતા વ્યસનની લતમાં નોકરી અને પરિવારની જવાબદારી છોડી, પત્નીને મારઝૂડ કરતા અભયમ બોલાવી, અભયમની સમજાવટથી પરિવાર તૂટતો બચ્યો

બે બાળકોનો પિતા વ્યસનની લતમાં નોકરી અને પરિવારની જવાબદારી છોડી, પત્નીને મારઝૂડ કરતા અભયમ બોલાવી, અભયમની સમજાવટથી પરિવાર તૂટતો બચ્યો — ફોટો 1

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિના વ્યસન અને ઘરકંકાસથી કંટાળી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેતાં અભયમ ટીમના સમયસરના હસ્તક્ષેપથી પરિવાર ભાંગતા બચ્યો હતો. બે 12 વર્ષના પુત્રોના ભવિષ્યની ચિંતા વચ્ચે પતિ પરિવારની જવાબદારી નિભાવતો ન હોવા ઉપરાંત પત્ની સાથે મારઝૂડ કરતો હોવાથી મહિલાના પિયરીયાઓ પણ તેને છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા હતા.

 બે બાળકોનો વ્યસની પિતા નોકરી છોડી પત્નીને મારતો, પિયરીયા છુટાછેડા માટે દબાણ કરતા

   મહિલાની ફરિયાદના પગલે 181 અભયમ ટીમ ઘરે પહોંચી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ છેલ્લા પાંચ વર્ષથી વ્યસનની લતના શિકાર છે. અગાઉ તેઓ એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા, પરંતુ વ્યસનની લત લાગ્યા બાદ નોકરી છોડી દીધી હતી. હાલ તેઓ કોઈ નિયમિત કામધંધો કરતા નહોતા.મહિલાના જણાવ્યા મુજબ, પતિને પરિવારની જવાબદારી નિભાવવા તેમજ બે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નોકરી કરવા સમજાવતા તેઓ ઝઘડો કરી પત્ની સાથે મારપીટ કરતા હતા. વ્યસન માટે રૂપિયા જરૂરી બનતા મજૂરી કરીને પૈસા મેળવતા અને ફરી વ્યસનમાં વાપરી દેતા હતા. પતિ દ્વારા ઘરની જવાબદારી ન નિભાવાતી હોવાથી તેમજ વારંવાર થતા ઝઘડાઓને કારણે મહિલાના પિયરના પરિવારજનો પણ તેને છૂટાછેડા લઈ લેવા માટે દબાણ કરી રહ્યા હતા.

આભયમની સમજણ બાદ પતિએ વ્યસન છોડી નોકરી જવા પરિવારની જવાબદારી નિભાવવા બાંહેધરી આપી

 અભયમ ટીમે પતિ-પત્ની બંને સાથે શાંતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓ અને બંને પક્ષની રજૂઆત સાંભળી હતી. કાઉન્સેલિંગ દરમિયાન પતિને વ્યસનના દૂષ્પરિણામો, દાંપત્ય જીવનનું મહત્વ તેમજ પત્ની અને બાળકો પ્રત્યેની જવાબદારી અંગે સમજાવવામાં આવ્યું હતું.અભયમ ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી પત્નીને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે મારપીટ નહીં કરે તેવી ખાતરી આપી હતી. સાથે જ નિયમિત નોકરી શોધી પરિવારનું ભરણપોષણ કરવાની તેમજ પત્નીને ઘરકામ અને પરિવારની જવાબદારીઓમાં સહકાર આપવાની બાહેદરી આપી હતી.પતિએ મહિલાના પરિવારજનોની હાજરીમાં આ અંગે લેખિત બાહેદરી પણ આપી હતી. 181 અભયમ ટીમના સમયસરના હસ્તક્ષેપ, યોગ્ય કાઉન્સેલિંગ અને માર્ગદર્શનથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું. અભયમ ટીમ દ્વારા મહિલાને તેના કાનૂની અધિકારો અંગે પણ જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે મહિલાએ તથા તેના પરિવારજનોએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.