મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પરિણીત પૂર્વ પ્રેમી સાથે રહેવાની જીદ પર અડગ રહેલી 20 વર્ષની યુવતીને અભયમે સંસ્થામાં આશરો અપાવ્યો

પરિણીત પૂર્વ પ્રેમી સાથે રહેવાની જીદ પર અડગ રહેલી 20 વર્ષની યુવતીને અભયમે સંસ્થામાં આશરો અપાવ્યો — ફોટો 1

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 20 વર્ષની યુવતીનો પ્રેમપ્રસંગ માનસિક સંકટમાં ફેરવાતા અભયમ-181 મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. પાંચ વર્ષથી સોસાયટીમાં રહેતા એક યુવાન સાથે પ્રેમસંબંધમાં રહેલી યુવતીને સંબંધ દરમિયાન બે વખત ગર્ભપાત કરાવવો પડ્યો હતો. દરમિયાન યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને હાલ તે બે સંતાનોનો પિતા છે. તેમ છતાં યુવતી પૂર્વ પ્રેમી સાથે જ રહેવાની જીદ પર અડગ રહી હતી.

પરિણીત પૂર્વ પ્રેમી વિના રહી શકતી ન હોવાથી  યુવાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો

     અભયમ-181ની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે બંને પરિવારને તેમના પ્રેમસંબંધની જાણ થઈ જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તે સમયે બંનેએ પોતાની મરજીથી ભવિષ્યમાં એકબીજા સાથે સંપર્ક નહીં રાખવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ યુવતી પૂર્વ પ્રેમી વિના રહી શકતી ન હોવાથી તેણે ફરીથી યુવાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિણીત પૂર્વ પ્રેમીએ રાખવાનો ઈન્કાર કરેલ

     યુવાને યુવતી સાથે શાંતિપૂર્ણ વાતચીત માટે પોતાની માતાને સાથે લાવવા કહ્યું હતું, પરંતુ બાદમાં મામલો ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યો. યુવતીએ પૂર્વ પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ યુવાને પોતે પરિણીત હોવા તેમજ પારિવારિક વિવાદ સર્જાવાની શક્યતા દર્શાવી યુવતીને સાથે રાખવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

       વ્યથિત યુવતીએ ઘેર પરત જવાની ના પાડી

     આ ઘટનાથી વ્યથિત યુવતીએ ઘરે પરત જવાની પણ ના પાડી હતી અને ઘરે મોકલવામાં આવશે તો આત્મઘાતી પગલું ભરી લેવાની ધમકી આપી હતી. યુવતીએ થોડા દિવસ પરિવારથી દૂર સુરક્ષિત સ્થળે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં અભયમ-181ની ટીમે તેનું સતત કાઉન્સેલિંગ કર્યું અને તેની સંમતિથી યુવતીને વન સ્ટોપ સેન્ટર (OSC) માં તાત્કાલિક આશ્રય અપાવ્યો.

   અભયમ ટીમના જણાવ્યા મુજબ યુવતીને સંસ્થામાં જરૂરી માનસિક સહાય અને માર્ગદર્શન આપવામાં આવશે. આગામી દિવસોમાં યુવતી, તેના પરિવાર તેમજ સંબંધિત યુવાન અને તેના પરિવારનું સંયુક્ત કાઉન્સેલિંગ કરી યોગ્ય સલાહ-સૂચન આપી સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે.