GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
માતાના વિયોગ બાદ એકલતા અનુભવતી 16 વર્ષની દીકરી ચોરી અને ઇન્સ્ટાગ્રામની લતમાં ફસાઈ, અભયમ-181ના કાઉન્સેલિંગથી થયો સુખદ અંત
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદમાં એક હૃદયસ્પર્શી ઘટનામાં માતાના વિયોગ અને પિતાના વ્યસ્ત જીવનને કારણે એકલતા અનુભવતી 16 વર્ષની કિશોરી ચોરી અને સોશિયલ મીડિયાના દુરુપયોગ તરફ વળી ગઈ હતી. અંતે પિતાએ અભયમ-181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતાં કાઉન્સેલિંગ દ્વારા પિતા-પુત્રી વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું.
માતા પર પુરુષ સાથે ભાગી જતા પિતાએ 12 વર્ષની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકી જ્યાં દીકરી ચોરી કરવા લાગી
પિતાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તેમની પત્ની ચાર વર્ષ પહેલાં અન્ય પુરુષ સાથે જતી રહી હતી. તે સમયે તેમની દીકરી માત્ર 12 વર્ષની હતી. ત્યારથી પત્નીનો કોઈ પતો નથી. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમને સતત કામ પર રહેવું પડતું હોવાથી જુવાન દીકરીને એકલી ઘરે રાખવી યોગ્ય ન લાગતાં તેના સારા ભવિષ્ય માટે હોસ્ટેલમાં દાખલ કરી હતી.જોકે, હોસ્ટેલમાંથી ફોન આવ્યો હતો કે દીકરી અભ્યાસમાં ધ્યાન આપતી નથી અને રૂમ પાર્ટનરની કિંમતી વસ્તુઓની ચોરી કરે છે. પ્રથમ વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ બીજી વખત ફરી ચોરી કરતાં હોસ્ટેલમાંથી તેને ઘરે લઈ જવા કહેવામાં આવ્યું.
નાની ના ઘેર મૂકી તો સ્કૂલમાં ચોરી,સોસીયલ મીડિયાની લત લાગી
ત્યારબાદ પિતાએ દીકરીને નાનીના ઘરે રાખીને અભ્યાસ ચાલુ રાખ્યો હતો.થોડા સમય બાદ ફરી સ્કૂલ તરફથી જાણ થઈ કે દીકરી ચોરી કરે છે અને મોબાઇલનો દુરુપયોગ પણ કરે છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા યુવક સાથે વાતચીત કરતી હતી. દીકરીને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પિતાએ અભયમ-181ની મદદ માંગી હતી.
ઇન્સ્ટાગ્રામ પર છોકરા સાથે પ્રેમ નહિ વાતચીત કરતી હતી
કાઉન્સેલિંગ દરમિયાન દીકરીએ જણાવ્યું હતું કે, "જ્યારે મને મારી મમ્મીની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ મને છોડીને ચાલ્યા ગયા. પપ્પા આખો દિવસ ધંધામાં વ્યસ્ત રહે છે. મારી વાત સાંભળે એવું કોઈ નથી. હું ખૂબ એકલી પડી ગઈ હતી. તેથી જ ઇન્સ્ટાગ્રામ પર એક છોકરા સાથે વાતચીત કરતી હતી. મારો તેની સાથે કોઈ પ્રેમ સંબંધ નથી, માત્ર વાતચીત જ કરતી હતી."
ચોરી નહીં કરે તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ નહીં કરે તેવી બાંહેધરી આપી
સમગ્ર હકીકત જાણ્યા બાદ અભયમ ટીમે પિતા અને પુત્રી બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે દીકરીને સમજાવ્યું કે ચોરી કરવી ગંભીર અને ખરાબ આદત છે, જે ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરી શકે છે તેમજ કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે. દીકરીએ હવે પછી ક્યારેય ચોરી નહીં કરે તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.
માતા-પિતા બંનેનો પ્રેમ પણ જરૂરી
અભયમ ટીમે પિતાને પણ સમજાવ્યું કે કિશોરાવસ્થામાં દીકરીને માત્ર આર્થિક સુરક્ષા નહીં, પરંતુ સમય, લાગણી અને માતા-પિતા બંનેનો પ્રેમ પણ જરૂરી હોય છે. માતાની ગેરહાજરીમાં પિતા તરીકે બંનેની ભૂમિકા નિભાવી દીકરીને વિશ્વાસ અને હૂંફ આપશો તો તે ચોક્કસ સારા માર્ગે આગળ વધશે. કાઉન્સેલિંગ બાદ પિતા અને પુત્રી બંને સહમત થયા હતા. અંતે અભયમ-181ની ટીમે બંને વચ્ચે સુખદ સમાધાન કરાવી પરિવારને નવી શરૂઆત તરફ આગળ વધાર્યો.
