મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસનો પ્રારંભ કરવામાં આવશે

તા. ૨૫ જુલાઈને શનિવાર અષાઢ સુદ એકાદશથી ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રસન્નતાર્થે તેમના સાનિધ્યમાં સવારે ૮ - ૦૦ વાગે સૌ સંતો અને હરિભકતો ચાતુર્માસ અંગેના નિયમો ધારણ કરશે. આ ચાતુર્માસ દરમ્યાન કુમકુમ મંદિરના સંતો ચાતુર્માસ દરમ્યાન ૧૭થી વધુ નકોરડા ઉપવાસ અને એકટાણા પણ કરશે.

કુમકુમ મંદિરના મોટીવેશન સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ ચાતુર્માસ અંગે જણાવ્યું હતું કે, દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે. અષાઢ સુદ એકાદશીએ વિષ્ણુ ભગવાન પોઢે છે. તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશીએ જાગે છે. તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ માસ દરમ્યાન ભક્તોએ નકોરડા ઉપવાસ, ધારણાં - પારણાં - એકટાંણા આદિ વ્રતો કરવા જોઈએ.

ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં શ્લોક ૭૬ થી ૭૮ માં શ્લોકમાં વિશેષ નિયમો લેવાની આજ્ઞા કરેલી છે. તે પ્રમાણે આપણે નિયમ લઈને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ.

ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, 'ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો, તેથી સહુ સંતો - ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્તાર્થે અંગીકાર અવશ્ય કરવા જોઈએ.

સાધુ પ્રેમવત્સલદાસજીએ ચાતુર્માસમાં ઉપવાસના મહત્વ અંગે જણાવ્યું હતું કે, મેડીકલ દ્રષ્ટીએ પણ ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપવાસ કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર ઘટે છે અને ગ્રોથ હોર્મોન વધે છે. જેનાથી આપણા શરીરમાં ખોટી ચરબી હોય તે ઘટે છે. બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ઘટે છે અને હૃદયનું કાર્ય સારી રીતે ચાલે તે માટે ઉપવાસ કરવા જરુરી છે. વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે ઉપવાસ એ શરીરને ડિટોક્સ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.

આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપવાસ કરવાથી ઈન્દ્રીયો અને મન ઉપર સંયમ કેળવાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામે છે. પ્રાર્થના, ધ્યાન, જપ, શાસ્ત્ર અધ્યન કરવાથી જીવન સદાચારમય બને છે.