મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પિતાના મોતના 10 દિવસમાં અમદાવાદની 14 વર્ષની સગીરા દહેગામ તાલુકાના પ્રેમીના ઘરે નાસી ગઈ, ઘેર લાવતાં આત્મહત્યાનો પ્રયાસ; અભયમની મદદ લેવાઈ

પિતાના મોતના 10 દિવસમાં અમદાવાદની 14 વર્ષની સગીરા દહેગામ તાલુકાના પ્રેમીના ઘરે નાસી ગઈ, ઘેર લાવતાં આત્મહત્યાનો પ્રયાસ; અભયમની મદદ લેવાઈ — ફોટો 1

    અમદાવાદમાં રહેતી 14 વર્ષની સગીરા પિતાના મૃત્યુના માત્ર 10 દિવસ બાદ દહેગામ તાલુકાના એક ગામમાં રહેતા પોતાના પ્રેમીના ઘરે નાસી જતાં પરિવારજનોએ તેને પરત ઘરે લાવી હતી. જોકે ઘરે આવ્યા બાદ સગીરા પ્રેમીના ઘરે મૂકી આવવાની જીદ પર અડી રહી હતી. માતા અને ભાઈઓ સાથે મારઝૂડ કરવા ઉપરાંત આત્મહત્યાની ધમકીઓ આપી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતાં પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમ ટીમના કાઉન્સેલિંગ બાદ સગીરાએ પ્રેમી સાથે હવે કોઈ સંબંધ નહીં રાખવાની ખાતરી આપી હતી.

    અભયમ ટીમના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા ત્રણ ભાઈ-બહેનોમાંની એક છે. તેના પિતા રિક્ષાચાલક હતા અને લીવર કેન્સરની અંતિમ અવસ્થાથી પીડાતા હોવાથી તાજેતરમાં તેમનું અવસાન થયું હતું. માતા લોકોના ઘરોમાં સફાઈ અને વાસણકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

     ચાર મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે દહેગામ તાલુકાના એક ગામમાં રહેતા પોતાની જ્ઞાતિના યુવક સાથે સગીરાનો પરિચય થયો હતો, જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પિતાના અવસાન બાદ લૌકિક ક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી માતાએ પોતાની જગ્યાએ થોડા દિવસ સોસાયટીમાં કામ કરવા જવાનું કહ્યું હતું. જોકે સગીરાને કામ કરવું પસંદ નહોતું. તે રાત્રે પ્રેમી સાથે લાંબી વાતો કરતી અને દિવસે સૂઈ રહેતી હતી. કામે જવાનું કહેતાં જ તે ઘર છોડીને પ્રેમી પાસે જતી રહી હતી.

પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પ્રેમીના ગામે પહોંચી તપાસ કરતાં યુવકે સગીરાને નજીકના અન્ય મકાનમાં છુપાવી રાખી હોવાનું જાણવા મળ્યું હતું. કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપતાં યુવકે સગીરાને પરિવારને સોંપી દીધી હતી. પરંતુ ઘરે પરત લાવ્યા બાદ સગીરા ફરીથી પ્રેમીના ઘરે જવાની જીદે ચઢી હતી. તેણે માતા અને ભાઈઓ સાથે મારપીટ કરી, આત્મહત્યા કરવાની ધમકી આપી અને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતાં પરિવારજનોએ અભયમ ટીમને બોલાવી હતી.

અભયમે પ્રેમી વિરુદ્ધ કાર્યવાહીની ચીમકી આપતા પ્રેમીને મળશે નહીં,માતાને મારઝૂડ નહિ કરવાની ખાતરી આપી

અભયમ ટીમે સગીરાનું વિસ્તૃત કાઉન્સેલિંગ કરીને તેને બાળલગ્નના કાયદા, સગીરાવસ્થામાં સંબંધોના પરિણામો તથા તેના ભવિષ્ય અંગે સમજાવ્યું હતું. પ્રેમી યુવક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે હોવાનું સમજાવતાં સગીરાએ હવે પ્રેમીને નહીં મળે, તેની સાથે કોઈ વાતચીત નહીં કરે, પરિવારજનો સાથે મારઝૂડ નહીં કરે અને આત્મહત્યાની ધમકી પણ નહીં આપે તેવી ખાતરી આપી હતી. સાથે જ માતાને ઘરકામ અને રોજિંદા કામકાજમાં મદદ કરવાની પણ સંમતિ વ્યક્ત કરી હતી.