GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પીપલજમાં 108 એમ્બ્યુલન્સમાં સુરક્ષિત પ્રસૂતિ: માતા અને નવજાત બંને સ્વસ્થ
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદના પીપલજ વિસ્તારમાં એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ ચંડોળા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઝડપથી સ્થળ પર પહોંચી અને સગર્ભાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા રવાના થઈ હતી.હોસ્પિટલ તરફ જતા માર્ગમાં મહિલાની પ્રસૂતિની પીડા અચાનક વધી જતાં EMTએ તપાસ કરી હતી. તપાસમાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસૂતિ થઈ જવાની સ્થિતિ હોવાનું જણાતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ERCPમાં હાજર ડૉ. રમણી સાહેબના સતત માર્ગદર્શન હેઠળ EMT ધવલ પ્રજાપતિ અને પાયલટ મેહુલભાઈ પરમારે તમામ જરૂરી સાવચેતી રાખી સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી. ડૉક્ટરની સલાહ મુજબ માતાને જરૂરી દવાઓ આપવામાં આવી હતી.ત્યારબાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના 1200 બેડ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.માતાના પરિવારજનોએ સમયસર અને જીવ બચાવનારી સેવા બદલ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સ્ટાફના કાર્યને બિરદાવાયું
આ સફળ કામગીરી બદલ અમદાવાદ 108ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહી અને EME નરેશ પરમારે EMT ધવલ પ્રજાપતિ તથા પાયલટ મેહુલભાઈ પરમારના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન અને પ્રોત્સાહન પાઠવ્યું.
