મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાબરાની સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ ઘારાસભ્ય જનકભાઇ તળાવીયાએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી

બાબરાની સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ ઘારાસભ્ય જનકભાઇ તળાવીયાએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી — ફોટો 1
બાબરાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા ધારાસભ્ય જનક તળાવીયાની શિક્ષણમંત્રી સમક્ષ કરી રજૂઆત   *બાબરાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષણની નવી દિશા*   બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી અને સુલભ તકો ઉપલબ્ધ થાય તે હેતુસર લાઠી-બાબરા-દામનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ બાબરા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ (બી.એસસી.) શરૂ કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે બાબરા તાલુકા તથા આસપાસના અનેક ગામોમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂર્ણ કરે છે. પરંતુ બાબરા ખાતે સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને અમરેલી, રાજકોટ, બોટાદ અથવા અન્ય શહેરોમાં અભ્યાસ માટે જવું પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર આર્થિક બોજો વધે છે તેમજ ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાય છે.   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાબરા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાર્યરત છે અને અહીં જરૂરી સુવિધાઓનો વધુ વિકાસ કરીને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના તાલુકા મથકે જ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી શકશે. ખાસ કરીને દીકરીઓને પોતાના વિસ્તારમાં જ વિજ્ઞાન અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થતાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધશે અને શિક્ષણમાં ડ્રોપઆઉટનું પ્રમાણ પણ ઘટશે.   ધારાસભ્યએ શિક્ષણમંત્રીને રજૂઆતમાં બાબરા વિસ્તારના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આગામી શૈક્ષણિક સત્રથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા જરૂરી મંજૂરી આપી જરૂરી શિક્ષક સ્ટાફ, પ્રયોગશાળા, સાધનો તથા અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે.   સ્થાનિક વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણપ્રેમી નાગરિકોએ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની આ પહેલને આવકારી છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બાબરા ખાતે સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવાની માંગને સકારાત્મક રીતે સ્વીકારી વહેલી તકે મંજૂરી આપશે.   ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે વિસ્તારના યુવાનોને ગુણવત્તાયુક્ત અને સરળતાથી ઉપલબ્ધ ઉચ્ચ શિક્ષણ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને શિક્ષણ સહિતના વિકાસલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરતા રહેશે.