GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પંજાબી નશાખોર મહિલા પતિને મારમારી નશામાં ગુજરાત આવી ગઈ, ત્રાહિત પુરુષે અભયમને કોલ કર્યો, અભયમે મહિલાના પતિને જાણ કરી બોલાવી સોંપી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ ઉત્તર વિસ્તારમાં દારૂના નશામાં ભટકતી એક પંજાબી મહિલા મળી આવતાં તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક અજાણ્યા વ્યક્તિએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને અંતે પંજાબમાં રહેતા તેના પતિનો સંપર્ક સાધ્યો હતો. પતિ બીજા દિવસે અમદાવાદ પહોંચશે તેમ જણાવતાં મહિલાને એક રાત માટે નજીકના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.
પજાંબથી પતિ સાથે ઝગડી નીકળી ,અમદાવાદમાં નશાખોર સ્થિતિમાં આવી ગઈ
અભયમની ટીમે મહિલાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે પંજાબની રહેવાસી છે. પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી પિયર જવા ટ્રેનમાં બેઠી હતી. જોકે નશાની હાલતમાં તે ગુજરાત સુધી પહોંચી ગઈ હતી. રસ્તામાં મળેલા એક અજાણ્યા વ્યક્તિ સાથે તે કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળી હતી. દરમિયાન અમદાવાદ ઉત્તર વિસ્તારમાં દારૂ મળતો હોવાનું જાણ થતાં ટ્રેન ધીમી પડતાં બંને નીચે ઉતર્યા હતા અને તે વ્યક્તિએ મહિલાને દારૂ લાવી આપ્યો હતો. ત્યારબાદ મહિલાની સ્થિતિ જોઈ તેણે જ અભયમ 181ને જાણ કરી હતી.
મહિલાએ ખૂબ ઢીચેલો આથી અભયમ ટીમ પોલીસ સ્ટેશન લઈ ગઈ
મહિલા ભારે નશામાં હોવાથી પોતાનું સરનામું કે પરિવારજનોના મોબાઇલ નંબર સ્પષ્ટ રીતે આપી શકતી નહોતી. તેથી અભયમની ટીમ તેને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન મહિલાએ અલગ-અલગ મોબાઇલ નંબર આપ્યા હતા, જેમાંથી એક નંબર તેના પતિનો નીકળ્યો હતો.
પતિએ જણાવ્યું મને મારીને નીકળી ગઈ છે હું શોધી રહ્યો છું કાલે અમદાવાદ આવી પહોંચીશ
પતિ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મહિલા દારૂ અને ગુટખાની વ્યસની છે. ઝઘડા દરમિયાન પત્નીએ તેની સાથે મારામારી કરી ઘરેથી નીકળી ગઈ હતી. તેની શોધખોળ માટે પંજાબમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પતિએ જણાવ્યું હતું કે તે અમદાવાદ માટે રવાના થઈ રહ્યો છે અને બીજા દિવસે સવારે પહોંચશે.
અભયમે નશાખોર મહિલાને પતિ આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં આશ્રય અપાવ્યો
મહિલા નશાની ગંભીર હાલતમાં હોવાથી તેને કોઈ આશ્રયસ્થાને રાખવું યોગ્ય ન માનતાં, અભયમની ટીમે તેની સુરક્ષાને પ્રાથમિકતા આપી મહિલાને નજીકના પોલીસ સ્ટેશનના હવાલે કરી હતી, જ્યાં પતિ આવ્યાં સુધી તેને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
