મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત કિટનું વિતરણ કરાયું

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત કિટનું વિતરણ કરાયું

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ અને પ્રોટીનયુક્ત આહારની કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો, દર્દીઓને વહેલા નિદાન અને નિયમિત દવાની સલાહ અપાઈ.

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે ટીબી (ક્ષય) રોગના દર્દીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી ડીટીઓ (DTO) મહેતા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર ૩ ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા અન્ય દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનયુક્ત આહાર (ન્યુટ્રિશનલ કિટ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ઇન્ચાર્જ ડો. ખ્યાતિ ગરેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટીબીના ઘણા દર્દીઓ આર્થિક રીતે નબળા હોય છે અને તેઓ પૂરતો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી. દવાઓ અને યોગ્ય પોષણ બંનેના સમન્વયથી જ ટીબીને હરાવી શકાય છે. આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓનું સઘન મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના બ્લડ ટેસ્ટ, આંખની તપાસ અને દવાઓની કોઈ આડઅસર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.

ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ આ રોગ સામે લડતા દર્દીઓને 'યોદ્ધા' ગણાવ્યા હતા. તેમણે દર્દીઓને અપીલ કરી હતી કે તેઓ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત આહાર અને સમયસર દવાઓ લે. આ સેવાકીય કાર્યક્રમમાં રમેશભાઈ મકડીયા, જયંતીભાઈ કાલવડીયા અને નટુભાઈ ગોધાણી સહિતના સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી.

ડો. ખ્યાતિ ગરેજાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે ટીબીના દર્દી સાથે રહેતા સગા-સંબંધીઓએ પણ પોતાની તપાસ કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિને ટીબીના પ્રાથમિક લક્ષણો જણાય તો ગભરાયા વગર હોસ્પિટલની ઓપીડી (OPD) માં તપાસ કરાવવી જોઈએ. વહેલું નિદાન થવાથી રોગની સારવાર ઝડપી અને સરળ બને છે. કોટેજ હોસ્પિટલમાં લેબોરેટરી, નિષ્ણાત તબીબો અને ટીબી વિભાગની તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ છે.