મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.રામવિલાસ પાસવાનની જન્મજયંતીની ઉજવણી

રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ)નો સેવા કાર્યક્રમ યોજાયો, જરૂરિયાતમંદોને વિવિધ સહાય સામગ્રીનું વિતરણ

અમદાવાદ: લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા ભારત રત્ન સમાન લોકનેતા સ્વ. રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે રવિવારે અમદાવાદમાં સેવાભાવ અને જનકલ્યાણને સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલડી સ્થિત પ્લેટિનમ ઇન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારો અને વિદ્યાર્થીઓને વિવિધ સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન 50થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ આપવામાં આવી હતી. ઉપરાંત 10 વિદ્યાર્થીનીઓને સાયકલ, 10 બહેનોને મિક્સર અને 10 બહેનોને કૂકરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી બને તે માટે બેન્ચનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ)ના ગુજરાત રાજ્ય પ્રભારી કુવર આસિમખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વ. રામવિલાસ પાસવાનના સમાજસેવા અને જનકલ્યાણના કાર્યોને યાદ કરીને તેમના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ આશિષભાઈ પટેલ અને અમદાવાદ શહેર પ્રમુખ સંકેતભાઈ સોનીએ પણ હાજરી આપી હતી. બંને આગેવાનોએ ઉપસ્થિત કાર્યકરો અને લાભાર્થીઓને સંબોધ્યા હતા તેમજ પોતાના હસ્તે સહાય સામગ્રીનું વિતરણ કર્યું હતું.

કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકરો, શુભેચ્છકો, સામાજિક આગેવાનો, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.