મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાસુ અને પતિના ત્રાસથી કંટાળેલી બે સંતાનો સાથે કેનાલમાં પડતું મુકવા ગયેલ માતાને રાહદારી અને અભયમે બચાવી

સાસુ અને પતિના ત્રાસથી કંટાળેલી બે સંતાનો સાથે  કેનાલમાં પડતું મુકવા ગયેલ માતાને રાહદારી અને અભયમે બચાવી — ફોટો 1

  પતિના છેલ્લા ચાર વર્ષથી ચાલતા સતત માનસિક ત્રાસથી કંટાળેલી બે જોડિયા સંતાનોની માતા પોતાના બંને બાળકો સાથે કેનાલમાં પડીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવા પહોંચી હતી. જોકે, બાળકોની વાત સાંભળી એક રાહદારીને શંકા જતાં તેણે સમયસર મહિલાને રોકી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. અભયમ ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેના સગા ભાઈનો સંપર્ક સાધ્યો અને અંતે મહિલા તથા બંને બાળકોને સુરક્ષિત રીતે ભાઈને સોંપ્યા.

 "આપણે પણ આમાં ડૂબકી મારવાની છે મમ્મી" બાળક બોલ્યું એટલે મને શંકા ગઈ :- રાહદારી

 અભયમ ટીમને જાણ કરનાર રાહદારીએ જણાવ્યું કે તે કેનાલ પાસે બાઇક ઉભી રાખીને ફોન પર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન તેનું ધ્યાન મહિલા અને બે નાના બાળકો તરફ ગયું. બાળકોમાંથી એક બાળક બોલ્યું, "આપણે પણ આમાં ડૂબકી મારવાની છે મમ્મી." આ સાંભળીને તેને શંકા ગઈ અને તેણે મહિલાને પૂછપરછ કરી. મહિલાએ જણાવ્યું કે તે પતિના ત્રાસથી કંટાળી ગઈ છે અને હવે જીવવું નથી. રાહદારીએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પરિવારના કોઈ સભ્યનો સંપર્ક નંબર આપવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ તેણે તરત જ 181 અભયમને જાણ કરી.

 પતિ અને સાસુ 4 વર્ષથી ત્રાસ આપતા કંટાળી કેનાલમાં પડવા આવી છું

   સ્થળ પર પહોંચેલી અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં મહિલાએ જણાવ્યું કે તે બે જોડિયા સંતાનોની માતા છે. પોતે ઘરકામ કરે છે જ્યારે પતિ નોકરી કરે છે. છેલ્લા ચાર વર્ષથી પતિ અને સાસુ સતત માનસિક ત્રાસ આપે છે. પતિ છરી સાથે રાખીને ધમકી પણ આપે છે. અનેક વખત કંટાળીને પિયરમાં જતી રહી હતી, પરંતુ ફરી સાસરે પરત ફરવું પડતું હતું. હવે જીવનથી સંપૂર્ણ નિરાશ થઈ જતાં તેણે બાળકો સાથે કેનાલમાં પડવાનો નિર્ણય લીધો હતો.

અભયમે મહિલાના ભાઈને કોલ કરી બોલાવતા ,ભાઈ ત્રણેય ને ઘેર લઈ ગયો

    અભયમ ટીમે મહિલાને પિયર જવા, પોલીસમાં ફરિયાદ કરવા તેમજ જરૂર પડે તો સંસ્થાની મદદ લેવા જેવા વિકલ્પો સમજાવ્યા, પરંતુ મહિલા શરૂઆતમાં કોઈ વાત માનવા તૈયાર નહોતી. સતત સમજાવટ બાદ તેણે પોતાના સગા ભાઈનો સંપર્ક નંબર આપ્યો. જાણ થતાં જ ભાઈ તાત્કાલિક કેનાલ પર પહોંચ્યો.મહિલાના ભાઈએ જણાવ્યું કે તેની બહેન અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાને કારણે બનેવી ગુસ્સે થતા હતા. હાલ પોતાની બહેન અને બંને બાળકોને પિયર લઈ જઈ તેમની સંભાળ રાખશે. તેમણે સમયસર મહિલાનો જીવ બચાવવા બદલ 181 અભયમ ટીમ અને જાણ કરનાર રાહદારીનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ અભયમ ટીમે જરૂરી સમજાવટ સાથે મહિલા અને બંને બાળકોને તેમના ભાઈને સુરક્ષિત રીતે સોંપ્યા.