GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ આનંદધામ ખાતે પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ હિરાપુર ખાતે જેઠ માસની પૂર્ણિમા પ્રસંગે અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની અંતર્ધાન તિથિ પ્રસંગે સંતો - હરિભક્તોએ ધ્યાન - ભજન કરી સમૂહ આરતી ઉતારી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
*આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, આજનો યુવાન દેશ અને સમાજનું ઉજ્જ્વળ ભવિષ્ય છે, પરંતુ તેનું જીવન માત્ર આધુનિકતા નહીં, સંસ્કારોથી પણ સમૃદ્ધ હોવું જોઈએ. યુવાનીનું સાચું સૌંદર્ય નીતિમય અને ચારિત્ર્યવાન જીવનમાં રહેલું છે. ભગવાન અને ગુરુની આજ્ઞા અનુસાર જીવવામાં જ જીવનની સાચી સફળતા સમાયેલી છે. વ્યસનો ક્ષણિક આનંદ આપે છે. પરંતુ જીવન, પરિવાર અને ભવિષ્યને બરબાદ કરી નાખે છે; તેથી દરેક યુવાને વ્યસનોથી સંપૂર્ણપણે મુક્ત રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. નિત્ય તિલક-ચાંદલો કરીને ભગવાન પ્રત્યેની પોતાની ઓળખ અને શ્રદ્ધાને જીવંત રાખવી જોઈએ. રોજ મંદિરે જઈને દર્શન, પ્રાર્થના અને ભજન કરવાથી મનને શાંતિ તથા જીવનને યોગ્ય દિશા મળે છે. દર રવિવારે રવિસભામાં નિયમિત ઉપસ્થિત રહેવાથી સત્સંગ, સંસ્કાર અને સદ્વિચારોનું પોષણ થાય છે.
સંતોનો સમાગમ જીવનને નવી દૃષ્ટિ, નવી પ્રેરણા અને સાચો માર્ગ આપે છે. સારા મિત્રો, સારા વિચારો અને સારા સંસ્કારો યુવાનીને ઉજ્જ્વળ બનાવે છે. જે યુવાન ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવન જીવે છે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરતો નથી. સંયમ, સેવા, સદાચાર અને સત્સંગ એ યુવાનીના સાચા આભૂષણો છે. આજનો સંસ્કારી અને આધ્યાત્મિક યુવાન જ આવતીકાલના આદર્શ પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તેથી દરેક યુવાને જીવનમાં ધર્મ, ભક્તિ, નીતિ અને સંસ્કારોને સર્વોચ્ચ સ્થાન આપીને આદર્શ જીવન જીવવાનો દૃઢ નિશ્ચય કરવો જોઈએ. સભાના અંતમાં સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજીએ આ પ્રસંગે તેમનાં દિવ્ય આશીર્વાદ આપ્યાં હતાં.





