GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય કેરીનો મનોરથ
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે ભગવાન સમક્ષ ભવ્ય 'કેરીનો મનોરથ' યોજવામાં આવ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ૨૧ જેટલી અવનવી કેરીની આઇટમો (મેંગો ડીશ) તૈયાર કરીને ભવ્ય અને આકર્ષક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ લઈને હજારો ભક્તો ધન્ય બન્યા હતા.
આ મનોરથના શુભ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રેરણાદાયી પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, "ભગવાનને કેરી ધરાવવાની આ પરંપરા આજની નથી, પણ ૨૦૦ વર્ષ જૂની છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડા અને વડતાલમાં બિરાજમાન હતા, ત્યારે દેશ-વિદેશના ભક્તો ભગવાન માટે ગાડું ભરી-ભરીને ઉત્તમ કેરીઓ મોકલતા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ એ તમામ કેરીઓનો રસ કરાવીને સંતો અને હરિભક્તોને પંગતમાં પીરસીને તૃપ્ત કરતા હતા અને આનંદ કરાવતા હતા. આજે કુમકુમ મંદિરમાં એ જ દિવ્ય સ્મૃતિઓ તાજી થઈ છે."
સાધુ પ્રેમવત્સલદાસજીએ કેરીના માધ્યમથી માનવ જીવનને સુધારવાનો એક ખૂબ જ સુંદર અને માર્મિક સંદેશ આપતાં ઉમેર્યું હતું કે, "કેરી જ્યારે ઝાડ પર કાચી હોય ત્યારે તે તુરી અને કડવી હોય છે, સમય જતાં તે ખાટી થાય છે અને જ્યારે તે પૂરેપૂરી પાકે છે ત્યારે તે અત્યંત મીઠી અને રસદાર બને છે. માણસના જીવનનું પણ કંઈક આવું જ છે. માણસ પણ શરૂઆતમાં કાચી કેરી જેવો સ્વભાવ ધરાવતો હોય છે, તેનામાં ક્રોધ, અહંકાર કે કડવાશ હોઈ શકે છે. પરંતુ, જેમ જેમ તે ભગવાનનો આશરો લે છે, સત્સંગ કરે છે અને સંતોના સમાગમમાં આવે છે, તેમ તેમ તેના જીવનની કડવાશ દૂર થાય છે. સત્સંગરૂપી ગરમાવો મળતાં જ માણસ પાકી કેરી જેવો મધુર બને છે અને તેના જીવનમાં દયા, નમ્રતા અને પ્રેમ જેવા રૂડા ગુણોની મીઠાશ ભરાય છે."
આ મનોરથને સફળ બનાવવા માટે મંદિરના સંતો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અન્નકૂટના દર્શન બાદ તમામ હરિભક્તોને કેરીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.





